રૂપિયામાં વણથંભી તેજી: ચીનમાંથી વાઇટ ગુડ‍્સની આયાતોના ઘોડાપૂર

08 July, 2019 12:04 PM IST  |  | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

રૂપિયામાં વણથંભી તેજી: ચીનમાંથી વાઇટ ગુડ‍્સની આયાતોના ઘોડાપૂર

ઈન્ડિયન કરન્સી

૯૦ના દાયકામાં ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ યાને ગ્લોબલાઇઝેશનનો વાયરો વાયો ત્યારે ગ્લોકલ નામે એક શબ્દ ચલણી થયો હતો. ગ્લોબલ વત્તા લોકલ એટલે ગ્લોકલ. ૧૯૯૦-૧૯૯૩ના ગાળામાં જે ડિકન્ટ્રોલ અને ઉદારીકરણના સમયે ગ્લોકલ બજેટ જોવાયા હતા એવો થોડોક આભાસ બહુ વરસે જોવાયો. ઉપલક નજરે બજેટનું કલેવર સમાજવાદી દેખાય એ સ્વાભાવિક છે. સુપર રિચ પર ટૅકસ, નાના વેપારીઓ માટે પેન્શન યોજના, મહિલા સશક્તીકરણ અને પ્રધાનમંત્રી જોડના અન્ય ખૂલેલાં ખાતાઓ પર મહિલાઓને ૫૦૦૦ની ઓડી, નાના ઉદ્યોગોને ધિરાણદરમાં રાહત, ૧૦,૦૦૦ એફપીઓ, ઝીરો બજેટ ખેતી અને થોડી છીછરી ભાષામાં કહીએ તો ગામડું ગરીબ અને કિસાન સરકારની પ્રાયોરિટીમાં રહ્યા. રસ્તા, શૌચાલય, પીવાનું જળ, વીજળી અને બધા માટે મકાન જેવી પાયાની બાબાતો પર મોટો ઝૂકાવ રહ્યો. ઉદ્યોગો માટે કોઈ પેકેજ આવ્યું નહીં. aઑટોમોબાઇલ કે જે મોટા પાયે રોજી આપે છે એમની માટે કોઈ રાહત આવી નથી. સોના પરની આયાત જકાત વધ્યા પછી ઝવેરી ઉદ્યોગ આઇસીયુમાં હતો તે હવે આઇસીયુમાં રહે અને અમુક એકમો વેન્ટિલેટર પર જશે, ટેકસ્ટાઇલ સેકટર જે વિશાળ રોળી આપે છે એની માટે પણ કોઈ રાહત નથી. જોકે આગળ કહ્યું એમ કલેવર ભલે સમાજવાદી હોય, એનો આત્મા મૂડીવાદી છે. વિદેશમાંથી નાણાં મેળવવા સરકાર પોતે ગ્લોબલ બૉન્ડ ઇસ્યુ બહાર પાડશે. ભૂતકાળમાં ઇન્ડિયા રિસર્જન્ટ બૉન્ડ આવ્યા હતા પણ એ સ્ટેટ બૅન્કે બહાર પાડ્યા હતા. સરકારનું બાહ્ય દેવું જીડીપીના માંડ પાંચ ટકા છે. યુરોપ અને જપાનમાં નેગેટિવ વ્યાજદર છે. બેસુમાર નાણાં છે. સરકારે આ નાણાં લેવા જ જોઈએ.  જોકે એનાથી રૂપિયામાં ઝડપી તેજી આવે એને પણ મેનેજ કરવી પડે.

એકંદરે બજેટમાં સૂર એવો છે કે ભંડોળની સમસ્યા માટે સરકાર પર આધાર ન રાખો, બજારમાંથી નાણાં મેળવો. સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ માટે હવે એઆઇએફ એકની જેમ એઆઇએફ કેટેગરી ટુ ફંડ પણ રોકાણ કરી શકશે. સોશ્યલ સ્ટૉક એકસચેન્જની દરખાસ્ત એનજીઓ અને સોશ્યલ એન્ટરપ્રેન્યોર્સ માટે સારા સમાચાર છે. પર્યાવરણ, સસ્ટેનેબિલિટી અને ગવર્નન્સ એટલે કે ઇએસજી ક્ષેત્રે નજીવા વ્યાજે બેસુમાર નાણાં આપવા છે. ઇમ્પેકટ ઇન્વેસ્ટર્સ ભારતમાં નાણાં રોકવા થનગને છે.

બજારોની વાત કરીએ તો સુપર રીચ પર સરચાર્જ અને સોના પર આયાત જકાત ૨.૫ ટકા વધતા હવે કુલ વેરો ૧૫.૫ ટકા થશે. સોનાની દાણચોરીને કેટલું પ્રોત્સાહન મળશે એ કહેવાની જરૂર નથી. ગોલ્ડ પોલિસી અંગે બજારને

ખૂબ આતુરતા હતી પણ ભારોભાર નિરાશા મળી!

બૅન્કિંગ અને નાણાકીય ક્ષેત્રે નાના પણ પાયાના કેટલાયે સુધારા આવ્યા છે અને એને સર્વાંગી નજરથી  જોઈઅે તો ભારતીય બૅન્કિંગ ધીમે ધીમે વૈશ્વિક બૅન્કિંગ સાથે કદમ મિલાવતું જાય છે. એક કરોડથી વધારે રોકડ જમા કરવા પર બે ટકા સરચાર્જ, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન માટે નાના દુકાનકારો, એકમોને મર્ચન્ટ ફીમાંથી મુક્તિ, કરદાતાઓ અમુક અર્થમાં ઑટોમેટેડ સ્ક્રુટીની, ૪૦૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર ૨૫ ટકા ટૅકસ. એક હાથમાં આપ્યું છે પણ પેટ્રોલ, ડીઝલમાં શેસ અને જકાત વધારી બીજા હાથે બહુ મોટા જનસમૂહ પાસેથી લઈ લીધું છે. આનું નામ જ સમાજવાદી કલેવર અને મૂડીવાદી આત્માવાળું બજેટ. હાલ વિશ્વભરમાં આ મોડેલ જ ચાલે છે.

આ પણ વાંચો : ઐતિહાસિક જીત મળ્યા પછીના મેઇડન અંદાજપત્રમાં સીતારમણે અર્થતંત્રને હળવો ધક્કો આપ્યો

રૂપિયામાં ધીમી પણ સંગીન તેજી થઈ રહી છે. રૂપિયા પર વ્યાજદર ઊંચું મળે છે. એને કેરિ કરન્સી કહેવાય. આગળ જતા અમેરિકામાં વ્યાજદર ઘટે તો રૂપિયામાં ઝડપી તેજી આવશે. નિકાસકારો માટે રૂપિયાની તેજી મોટી સમસ્યા છે. રૂપિયો વધુ મજબૂત થઈ શકે છે. ચીનમાંથી વ્હાઇટ ગુડઝના માલો આર્થિક આક્રમણ કહી શકાય એ હદે ઠલવાય છે, ખતરાની સાયરન છે, પણ સાંભળનારું કોઈ નથી.

business news