રિઝર્વમાં કેટલી રકમ રાખશે રિઝર્વ બેન્ક, બિમલ જાલાન સમિતિ આપશે સલાહ

27 December, 2018 02:35 PM IST  | 

રિઝર્વમાં કેટલી રકમ રાખશે રિઝર્વ બેન્ક, બિમલ જાલાન સમિતિ આપશે સલાહ

RBIના વિશેષજ્ઞોની સમિતિ પહેલી બેઠકના 90 દિવસમાં પોતાનો રિપોર્ટ આપી દેશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે પૂર્વ RBI ગવર્નર બિમલ જાલાનની આગેવાનીમાં મોનેટરી ફંડના સ્ટ્રક્ચર માટે 6 સભ્યોની સમિતિ બનાવી છે. આ સમિતિ RBIને રિઝર્વમાં કેટલું ફંડ રાખવું અને બાકીનું સરકારને આપી દેવું જરૂરી છે તેની સલાહ આપશે. RBI પાસે પાછલા નાણાકીય વર્ષના અંતે 9.6 લાખ કરોડનું ફંડ હતું.

RBIના વિશેષજ્ઞોની સમિતિ પહેલી બેઠકના 90 દિવસમાં પોતાનો રિપોર્ટ આપી દેશે. દેશની કેન્દ્રીય બેન્ક પાસે પડેલા વધારાના ફંડ મામલે જ પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ અને મોદી સરકાર વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી. બાદમાં ઉર્જિત પટેલે અંગત કારણોનો હવાલો આપીને રાજીનામું આપી દીધું. નાણા મંત્રાલયનું કહેવું છે કે રિઝર્વ બેન્ક પાસે પોતાની કુલ સંપત્તિના 28 ટકા જેટલું ફંડ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્દ્રીય બેન્કો દ્વારા રખાતા રિઝર્વ ફંડની સરખામણીએ ખૂબ જ વધુ છે. વૈશ્વિક સ્તરે આ નિયમ 14 ટકાનો છે.

કોણ છે બિમલ જાલાન ?

બિમલ જાલાન RBI ગવર્નર પદ પરથી નિવૃત્ત થયા બાદ 2003થી 2004 સુધી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. જાલાને સરકારમાં જુદા જુદા હાઈપ્રોફાઈલ પર પણ કામ કર્યું છે. 1980માં તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર હતા. તો 1985થી 1989 સુધી બેન્કિંગ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ જાન્યુઆરી 1991થી સપ્ટેમ્બર 1992 સુધી નાણા મંત્રાલયના નાણા સચિવ પણ રહી ચૂક્યા છે.

કેટલું ફંડ રાખશે RBI ?

RBIની આ છ સભ્યોની સમિતિ જ નક્કી કરશે કે શેના આધારે RBIએ જોખમનો અંદાજ માંડીને કેટલું ફંડ રાખવું જોઈએ અને કેટલું સરકારને આપવું જોઈએ.

રિઝર્વ બેન્કની આ સમિતિમાં RBIના ડેપ્યુટી ગવર્નર અને આર્થિક મામલાના પૂર્વ સચિવ રાકેશ મોહન પણ છે. તો અન્ય સભ્યો સુભાષ ચંદ્ર ગર્ગ, રિઝર્વ બેન્કના ડેબ્યુટી ગવર્નર એન. એસ. વિશ્વનાથન અને RBI બોર્ડના બે નિર્દેશક ભરત દોષી અને સુધીર મનકડ છે.

આ સમિતિ પહેલી મીટિંગના 3 મહિનાની અંદર રિપોર્ટ આપશે. આ વર્ષે જૂનમાં RBI પાસે 36.18 લાખ કરોડ રૂપિયા જમા હતા, જેમાંથી 9.59 લાખ કરોડ રિઝર્વ ફંડ, ગોલ્ડ પુનર્મુંલ્યાંકન તરીકે 6.91 લાખ કરોડ અને મ્યુચ્યુઅલ ફંડ તરીકે 2.32 લાખ કરોડ રૂપિયા હતા

reserve bank of india news national news