IT વિભાગને દિશમાન ગ્રુપના 1700 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા

02 January, 2020 09:44 AM IST  |  Ahmedabad

IT વિભાગને દિશમાન ગ્રુપના 1700 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા

દિશમાન ગ્રુપ

અમદાવાદ શહેરમાં ઇન્કમ-ટૅક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. ઇન્કમ-ટૅક્સ વિભાગે ફાર્મા સેક્ટરની અગ્રણી કંપની દિશમાન ફાર્માસ્યુટિકલ્સમાં ૧૭૭૦ કરોડના બેનામી વ્યવહારો પકડી પાડ્યા છે. દિશમાન ગ્રુપ કંપનીએ બે હજાર કરોડનું ટર્નઓવર દર્શાવ્યું હતું, જેમાં ફક્ત ૧૦ કરોડ રૂપિયાનો ઑપરેટિંગ નફો તેમ જ ૭૨ કરોડની કમિશન, વ્યાજ, ડિવિડન્ડની આવક દર્શાવતા હિસાબોને કારણે શંકાના દાયરામાં આવી હતી. એથી દિશમાન ફાર્માની નરોડા, બાવળામાં આવેલી ફૅક્ટરી, મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ અને બોપલ-આંબલીમાં ૧૨ રેસિડેન્શિયલ સહિત ૧૯ જેટલા પ્રિમાઇસિસના સર્ચ અને સર્વે હાથ ધર્યા હતા. ભારત ઉપરાંત ૧૬ વિદેશમાં મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ અને કરોડોનો વ્યવસાય ધરાવતી દિશમાન કોર્બોજેન એમ્સિસ પ્રા.લિ.માંથી અત્યાર સુધીમાં ૬૪.૯ લાખ રોકડ સહિત ૧.૫ કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ છે. ૩૦.૪૨ લાખની વિદેશી ચલણી નોટ પણ જપ્ત કરી છે. તેમ જ ૨૪ લૉકર સીલ કરાયાં છે.

ઇન્કમ-ટૅક્સના અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું હતું કે દિશમાન કૉર્પોરેશન દ્વારા પોતાની જ કંપની કોર્બોજિન એમ્સિસ પ્રા.લિ.ને દિશમાન ગ્રુપમાં મર્જ કરવામાં આવી હતી. ૨૦૧૫માં આ કંપનીઓ મર્જ થઈ દિશમાન કોર્બોજિન એમ્સિસ પ્રા.લિ. બની હતી. દિશમાનના સંચાલકોએ સુપ્રીમ કોર્ટના કોઈ ચુકાદાની આડમાં મર્જ કંપનીના ગુડવિલના ૧૩૨૬ કરોડમાંથી ડેપરિસિએશન પેટે ૯૦૦ કરોડના દાવા કર્યા હતા, જેની ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ગ્રુપની બે મુખ્ય માર્કેટિંગ કંપની દિશમાન યુએસએ તથા દિશમાન યુરોપ લિમિટેડ લંડનના વ્યવહારોની તપાસ ચાલી રહી છે. આઇટીની તપાસમાં બોગસ લોન, બોગસ ઍડ્વાન્સિસ, બોગસ પર્સનલ વ્યવહારો, બોગસ કમિશન, પગાર, સહિત ચુકવણીના બોગસ ખર્ચા અને બિલો જનરેટ કરીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

business news ahmedabad