અદાણી જૂથની નજર હવે ડેટા સ્ટોરેજ ઉપર : એમેઝોન, ગૂગલને સેવા આપી શકે

13 July, 2019 02:22 PM IST  |  મુંબઈ

અદાણી જૂથની નજર હવે ડેટા સ્ટોરેજ ઉપર : એમેઝોન, ગૂગલને સેવા આપી શકે

પોર્ટ, વીજળી અને માળખાકીય સેવા ક્ષેત્રે કાર્યરત, લગભગ ૧૦ અબજ ડૉલરની સંપત્તિ સાથે દેશની સૌથી ધનાઢ્ય વ્યક્તિમાંથી એક ગૌતમ અદાણી સાવ અલગ જ દિશામાં અત્યારે વિચારી રહ્યા છે. દેશમાં એક મોટી તકનું સર્જન થતું જોઈ રહ્યા હોવાથી તે રૂ. ૭૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરી દેશમાં ડેટા સ્ટોરેજ સેન્ટર ઊભાં કરવા વિચારી રહ્યા છે.

ભારત સરકારે અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સ્થાનિક અને વિદેશી કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ભારતમાં થતા દરેક વ્યવહાર, નાણાકીય લેતી-દેતી અને અન્ય વ્યવહારો માટેનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવો પડશે. એમેઝોન, ગૂગલ, વોલમાર્ટ જેવી કંપનીઓએ પણ અહીં જ ડેટા સ્ટોરેજ કરવો પડશે.

ગૌતમ અદાણી દક્ષિણ ભારતમાં કોઈ સ્થળે આ માટે ડેટા સ્ટોરેજ કેન્દ્ર ઊભું કરવા વિચારી રહ્યા છે. ડેટા સ્ટોરેજની સેવાઓ આપી તેઓ કમાણી કરવા માટેની યોજના બનાવી રહ્યા છે. ભારતમાં વધી રહેલા સ્માર્ટફોન અને ઈન્ટરનેટના ઉપયોગ થકી વધુને વધુ લોકો ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે, ઑનલાઈન નાણાકીય લેવડદેવડ કરી રહ્યા છે અને ખરીદી રહ્યા છે. ભારત સરકારના નિયમ અનુસાર ડેટા અહીં જ સ્ટોર કરવો પડે એમ હોય તો દરેકે આવી સેવાનો ઉપયોગ કરવો પડશે.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

અદાણી જૂથનો વિકાસ પણ આવી જ રીતે થયો છે. ખાનગી ક્ષેત્ર માટે વીજળી ઉત્પાદન, વીજ વિતરણ, ગૅસ વિતરણ, પોર્ટ જેવી તક મળી એટલે અદાણી જૂથે તેને સૌથી પહેલાં ઝડપી લીધી હતી. અદાણી અત્યારે આ દરેક ક્ષેત્રની સૌથી મોટી ખાનગી કંપની છે. આવી જ રીતે ડેટા સ્ટોરેજમાં પણ અગ્રણી બનવા માટે વિચારી રહી છે.

business news