63 મૂન્સ એમસીએક્સને વધુ ત્રણ મહિના સૉફ્ટવેર સર્વિસિસ પૂરી પાડશે

05 October, 2022 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમસીએક્સના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ઠરાવ પસાર કરીને 63 મૂન્સની સૉફ્ટવેર સપોર્ટ સર્વિસિસ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

63 મૂન્સ ટેક્નૉલૉજીસે મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)ની વિનંતીને પગલે એક્સચેન્જને નવાં નિયમો અને શરતોના આધારે ૨૦૨૨ની પહેલી ઑક્ટોબરથી ત્રણ મહિનાના સમયગાળા માટે સૉફ્ટવેર સપોર્ટ સર્વિસિસ આપવાનું નક્કી કર્યું છે. 63 મૂન્સે (જૂનું નામ ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ) અખબારી યાદીમાં જણાવ્યા મુજબ એમસીએક્સના ટ્રેડિંગ સભ્યોને એક્સચેન્જના પ્રારંભથી અત્યાર સુધી જે રીતે સપોર્ટ અને સર્વિસિસ મળતાં આવ્યાં છે એ જ લાભ યથાવત્ રાખવામાં આવશે.

એમસીએક્સના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ઠરાવ પસાર કરીને 63 મૂન્સની સૉફ્ટવેર સપોર્ટ સર્વિસિસ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. ઠરાવમાં કહેવાયું છે કે ‘બોર્ડને સંતોષ છે અને સંચાલક મંડળે એ વાતને પુષ્ટિ આપી છે કે 63 મૂન્સ દ્વારા પૂરું પાડવામાં આવેલું ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટનું માધ્યમ ઘણાં વર્ષોથી સ્થિરતાપૂર્વક ચાલી રહ્યું છે અને એક્સચેન્જની જરૂરિયાતો એનાથી પૂરી થઈ છે. એ ઉપરાંત 63 મૂન્સે હંમેશાં આ માધ્યમને સક્ષમ રીતે સપોર્ટ પૂરો પાડ્યો છે.’

63 મૂન્સ ઉક્ત ઠરાવને આવકારે છે, એમ જણાવતાં યાદીમાં ઉમેરવામાં આવ્યું છે કે 63 મૂન્સ અને એમસીએક્સ વચ્ચે સૉફ્ટ સપોર્ટ અને મેઇન્ટેનન્સ માટેના કરારમાં છેલ્લે ૨૦૧૪ની ૨૭ સપ્ટેમ્બરે ફેરફાર કરવામાં આવ્યો હતો. એ કરારની મુદત ૨૦૨૨ની ૩૦ સપ્ટેમ્બરે પૂરી થઈ હતી. 

business news tech news technology news