મ્યુચ્યુઅલ ફંડની અસ્કયામતોના વધારામાં મહારાષ્ટ્રનો સિંહફાળો

13 July, 2019 02:31 PM IST  |  મુંબઈ

મ્યુચ્યુઅલ ફંડની અસ્કયામતોના વધારામાં મહારાષ્ટ્રનો સિંહફાળો

મ્યુચ્યુઅલ ફન્ડ

વર્ષ ૨૦૧૪થી દેશમાં મ્યુચ્યુઅલ ફંડ થકી શૅરબજાર, દવા બજાર અને અન્ય રોકાણોમાં આકર્ષણ વધી રહ્યું છે. માર્ચ ૨૦૧૪ના રોજ દેશના બધા જ ફંડ ભેગા મળી કુલ અસ્કયામત રૂ. ૮,૯૬,૩૫૨ કરોડ હતી જે જૂન ૨૦૧૯ના રોજ વધી રૂ. ૨૫,૮૧,૩૯૭ કરોડ થઈ છે. આમ ૬૩ મહિનાના ગાળામાં કુલ અસ્કયામતોમાં રૂ. ૧૬,૮૫,૦૪૫ કરોડનો વધારો થયો છે. જોકે, આ વધારામાં સૌથી મોટો હિસ્સો મહારાષ્ટ્ર રાજ્યનો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં થતા ફંડ્સનાં રોકાણ માર્ચ ૨૦૧૪ના રૂ. ૪,૧૯,૨૭૧ કરોડ હતા જે જૂન ૨૦૧૯માં વધી રૂ. ૧૦,૮૦,૦૬૭ થયા છે. આમ, મહારાષ્ટ્ર રાજ્યમાંથી દૈનિક રૂ. ૩૪૪.૭૦ કરોડનું રોકાણ આ સમગ્ર સમયમાં થયું છે.

અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ ઑફ ઇન્ડિયા (આમ્ફી)ના આંકડા અનુસાર દેશમાં માર્ચ ૨૦૧૪ના અંતે ઇક્વિટી સ્કીમમાં રોકાણ રૂ. ૧,૮૪,૭૫૧ કરોડ હતું જે જૂન ૨૦૧૯ના અંતે વધી રૂ. ૯,૧૪,૨૬૦ કરોડ થયું છે. આમાં પણ મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો સૌથી વધુ છે. આ સમયગાળામાં દેશમાં કુલ રૂ. ૭,૨૯,૫૦૯ કરોડનું વધારાનું રોકાણ ઇક્વિટી ફંડ્સમાં આવ્યું છે તેમાંથી દૈનિક રૂ. ૧૩૩.૩૩ કરોડના રોકાણ સાથે મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો ૨૯.૭૮ ટકાનો છે. એટલે કે કુલ વધારાના રોકાણનો લગભગ ત્રીજો ભાગ માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવે છે. ગુજરાત રાજ્યનો હિસ્સો માત્ર ૮.૩૯ ટકા અને દિલ્હીનો હિસ્સો માત્ર ૧૦.૦૬ ટકા જ છે.

છેલ્લા એક વર્ષ (જૂન ૨૦૧૮થી જૂન ૨૦૧૯) દરમ્યાન પણ મહારાષ્ટ્ર રાજ્ય જ અવ્વલ રહ્યું છે. દેશમાં આ એક વર્ષમાં કુલ વધારાની અસ્કયામતો રૂ. ૨,૨૪,૩૫૭ કરોડની રહી હતી જેમાંથી ૪૧ ટકા કે રૂ. ૯૩,૪૪૫.૦૪ કરોડની રકમ મહારાષ્ટ્રમાંથી આવી છે. આ એક વર્ષમાં ઇક્વિટી સ્કીમમાં રોકાણ રૂ. ૧,૧૮,૭૯૦ કરોડ વધ્યું છે જેમાં મહારાષ્ટ્રમાં રૂ. ૩૨,૯૮૬ કરોડ સાથે ૨૯ ટકા હિસ્સો ધરાવે છે. આ એક વર્ષના ગાળામાં ગુજરાતનો હિસ્સો ૭.૮૭ ટકા અને દિલ્હીનો હિસ્સો ૯.૦૫ ટકા જ છે.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

આમ્ફીના માર્ચ ૨૦૧૯ના એક અલગ આંકડા અનુસાર મ્યુચ્યુઅલ ફંડમાં દેશની કુલ અસ્કયામતોમાં એકલા મુંબઈનો હિસ્સો ૩૨.૩૧ ટકા છે અને તે દેશમાં સૌથી અવ્વલ ક્રમ ઉપર આવે છે. દેશમાં કુલ ૩૫ શહેરો એવાં છે જે મ્યુચ્યુઅલ ફંડની કુલ અસ્કયામતોમાં ૭૯.૯ ટકા હિસ્સો ધરાવે છે. આ શહેરોમાં મહારાષ્ટ્રનાં મુંબઈ, પુણે, નાગપુર અને નાશિકનો સમાવેશ થાય છે. આ ચાર શહેરો મળી દેશની મ્યુચ્યુઅલ ફંડ અસ્કયામતોમાં ૩૭.૫૯ ટકા હિસ્સો ધરાવે છે.

business news