ક્રૂડ ઑઇલમાં વણથંભી તેજી, સપ્તાહમાં ૪.૮ ટકાનો ઉછાળો

13 July, 2019 02:37 PM IST  |  મુંબઈ

ક્રૂડ ઑઇલમાં વણથંભી તેજી, સપ્તાહમાં ૪.૮ ટકાનો ઉછાળો

ક્રૂડ ઑઇલના ભાવમાં સતત તેજી

ક્રૂડ ઑઇલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. મેક્સિકોના ગલ્ફમાં આવી રહેલા સાયક્લોન અને ઈરાન તથા અમેરિકા વચ્ચે તંગદિલી સર્જાઈ શકે એવી ટૂંકા ગાળાની ગણતરી સામે આગલા વર્ષે માગ કરતાં પુરવઠો વધુ હશે એવાં મંદીનાં કારણો હાવી થઈ ગયાં છે. ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો ભારત જેવા આયાત પર નિર્ભર રહેતા દેશ માટે ચિંતાજનક સમાચાર છે.

શુક્રવારે ન્યુ યૉર્કમાં વેસ્ટર્ન ટેક્સસ વાયદો ૧૦ સેન્ટ વધીને ૬૦.૩૦ અને લંડન બ્રેન્ટ ક્રૂડ વાયદો ૩૨ સેન્ટ વધી ૬૮.૩૪ ડૉલર પ્રતિ બૅરલ છે. આ સપ્તાહમાં અત્યાર સુધી બ્રેન્ટ વાયદો ૩.૯ ટકા અને વેસ્ટર્ન ટેક્સસ ૪.૮ ટકા વધ્યો છે.

મેક્સિકોના ગલ્ફ પર અત્યારે સાયક્લોન બેરી આવી રહ્યું છે. શનિવારે અમેરિકાના લુઇઝિયાના ખાતે ટકરાય એવા આ સાઇક્લોનની ગતિ ૭૪ માઇલ્સ કરતાં પણ વધારે હોઈ શકે છે. આ સાઇક્લોનને કારણે અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન, રિફાઇનિંગ અને વિતરણ બંધ કરવું પડે એવી શક્યતા છે.

બીજી તરફ ગુરુવારે ઈરાને એક બ્રિટિશ ઑઇલ ટૅન્કર પર કબજો મેળવવાનો પ્રયત્ન કર્યો હોવાના અહેવાલથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંબંધો વણસી શકે એવી શક્યતા છે. આવા જ એક બનાવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન પર લશ્કરી હુમલો કરવા તૈયાર થઈ ગયા હતા. આ ઉપરાંત, અમેરિકામાં ક્રૂડ ઑઇલનો સ્ટૉક ત્રણ મહિનામાં સૌથી નીચો હોવાના અહેવાલ પણ બજારમાં ભાવને ટેકો આપી રહ્યા છે.

પેટ્રોલનો વાયદો ૦.૩ ટકા વધીને ૧.૯૮૪૫ પ્રતિ ગૅલન, ડીઝલ ૦.૧ ટકા ઘટી ૧.૯૭૬૦ પ્રતિ ગૅલન અને નૅચરલ ગૅસ વાયદો ૦.૫ ટકા વધીને ૨.૪૨૯ પ્રતિ મિલ્યન બ્રિટિશ થર્મલ યુનિટ છે.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

ભારતમાં બુધવારે ઇન્ડિયન બાસ્કેટ ઑફ ક્રૂડ ઑઇલ ૬૪.૭૮ ડૉલર પ્રતિ બૅરલ હતી જે ગુરુવારે વધી ૬૬.૫૭ ડૉલર પ્રતિ બૅરલ થઈ છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આ બાસ્કેટ સાથે જોડાયેલા હોય છે. બાસ્કેટનો ભાવ વધે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધે છે. દરમ્યાન ભારતમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ બૅરલદીઠ ૪૧૪૦ ખૂલી, ઉપરમાં ૪૧૬૫ અને નીચામાં ૪૧૩૪ બોલાઈ પ્રથમ સત્રના અંતે ૯ રૂપિયા વધીને ૪૧૪૧ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે નૅચરલ ગૅસ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧.૪ વધીને બંધમાં ૧૬૬.૪ રૂપિયા રહ્યો હતો.

business news