02 August, 2026 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામિની મૌર્ય
ભારતીય જુડો પ્લેયર યામિની મૌર્યએ શુક્રવારે મોડી રાતે કૉમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતીને મેડલની સંખ્યા ૨૦ સુધી પહોંચાડી હતી. બાવીસ વર્ષની યામિની મૌર્યને ફાઇનલમાં ઇંગ્લૅન્ડની હરીફ સામે લગભગ ૭ મિનિટ સુધી લડત આપીને હારનો સામનો કરવો પડ્યો હતો. મધ્ય પ્રદેશના સાગર જિલ્લાની રહેવાસી યામિની મૌર્ય રાતોરાત આ સીમાચિહ્ન પર પહોંચી નથી. માત્ર ૯ વર્ષની ઉંમરે તેણે જુડોની રમતમાં પ્રવેશ કર્યો ત્યારે રસ્તો સરળ નહોતો. તેના પરિવારે, સંબંધીઓએ અને સમાજના ઘણા લોકોએ જુડો રમતી આ છોકરીને અનેક ટોણા માર્યા હતા.
યામિનીએ મૌખિક રીતે નહીં પણ પોતાની મહેનતથી બધાને જડબાતોડ જવાબ આપ્યો છે. આજ સુધી તેણે નૅશનલથી ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં પાંત્રીસથી વધુ મેડલ જીત્યા છે. ૨૦૧૭માં તેણે ઘૂંટણની ઇન્જરી અને ત્યાર પછી સર્જરીને કારણે એક વર્ષ સુધી રમતથી દૂર રહેવું પડ્યું હતું.