મહિલા ચૅમ્પિયન ઇગા સ્વિયાટેક આઉટ

10 June, 2021 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વખતની ચૅમ્પિયન સક્કારી સામે સીધા સેટમાં હારીને બહાર, આ સાથે ૨૦૦૭થી સતત બીજા વર્ષે કોઈ મહિલા ચૅમ્પિયન ટ્રોફી ન જાળવી શકવાનો સિલસિલો જળવાઈ રહ્યો

ઇગા સ્વિયાટેક

પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનની ગઈ કાલે રમાયેલી ક્વૉર્ટર ફાઇનલમાં ગયા વખતની ચૅમ્પિયન ઇગા સ્વિયાટેક હારીને બહાર થઈ ગઈ હતી. સ્વિયાટેકનો ગ્રીકની મારિયા સક્કારી સામે સીધા સેટમાં ૬-૪, ૬-૪થી પરાજય થયો હતો. આ સાથે સ્વિયાટેકની ફ્રેન્ચ ઓપનમાં સતત ૧૧ મૅચ અને ૨૨ સેટના જીતનો સિલસિલો તૂટી ગયો હતો. જોકે સ્વિયાટેકની હાર સાથે ૨૦૦૭ બાદ કોઈ મહિલા ચૅમ્પિયન સતત બીજા વર્ષે ચૅમ્પિયન ન બનવાનો સિલસલો જળવાઈ રહ્યો હતો. 

ગ્રૅન્ડ સ્લૅમની સેમી ફાઇનલમાં પહોંચનાર મારિયા સક્કારી પહેલી ગ્રીક મહિલા ખેલાડી બની હતી.

અન્ય એક ક્વૉર્ટર ફાઇનલમાં અનસીડેડ બારબોરા ક્રેજસિકોવાએ ૧૭ વર્ષની અમેરિકન ખેલાડી કોકો ગૌફને સીધા સેટમાં ૭-૬, ૬-૩થી પરાસ્ત કરીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 

ચારેય સેમી ફાઇનલિસ્ટ પ્રથમ વાર
ક્વૉર્ટર ફાઇનલના જંગ બાદ મહિલા સિંગલ્સની સેમી ફાઇનલ લાઇનઅપ નક્કી થઈ ગઈ હતી, જેમાં સક્કારીનો સામનો ક્રેજસિકોવા સામે થશે જ્યારે બીજી સેમીમાં ૩૧માં ક્રમાંકિત અનાસ્તાસિયા પવલ્યુચેન્કોવાનો મુકાબલો સ્લોવેનિયાની તમારા ઝિદાન્સેક સામે થશે. નવાઈની વાત એ છે કે આ ચારેય મહિલા ખેલાડીઓએ પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 

પુરુષોનો એક સેમી ફાઇનલ જંગ ગોઠવાયો
પુરુષો સિંગલ્સનો પહેલો સેમી ફાઇનલ જંગ ગોઠવાઈ ગયો હતો. પાંચમા ક્રમાંકિત સ્ટિફાનોસ ત્સીત્સીપાસ ફાઇનલ પ્રવેશ માટે જંગે ચડશે, છઠ્ઠા ક્રમાંકિત ઍલેક્ઝન્ડર ઝ્વેરેવ સામે. ત્સીત્સીપાસે બીજા ક્રમાંકિત ડૅનિલ મેડવેદડેવને ૬-૩, ૭-૬, ૭-૫થી હરાવ્યો હતો, જ્યારે ઝ્વેરેવે અનસીડેડ અલેજાન્ડ્રો ડેવિડોવિચ ફોકિનાને સીધા સેટમાં ૬-૧, ૬-૧, ૬-૧થી પરાસ્ત કર્યો હતો. 

tennis news sports news sports