આજથી મહિલા હૉકી વર્લ્ડ કપ

01 July, 2022 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવિતા પુનિયાના સુકાનમાં ભારતનો સૌથી પહેલો મુકાબલો રવિવારે ઇંગ્લૅન્ડ સામે

સવિતા પુનિયા ભારતની ગોલકીપર-કૅપ્ટન છે

મહિલા હૉકી ખેલાડીઓનો વર્લ્ડ કપ આજે સંયુક્ત યજમાન દેશો સ્પેન તથા નેધરલૅન્ડ્સમાં શરૂ થઈ રહ્યો છે. ભારત એક પણ વખત આ વિશ્વસ્પર્ધાની ટ્રોફી નથી જીત્યું. જોકે નેધરલૅન્ડ્સ વિક્રમજનક આઠ વાર ટાઇટલ જીત્યું છે અને ચાર વખત રનર-અપ રહ્યું છે. ઑલિમ્પિક્સના ચાર ગોલ્ડ, બે સિલ્વર અને ત્રણ બ્રૉન્ઝ મેડલ પણ નેધરલૅન્ડ્સની ટીમના નામે છે. આજે વિશ્વકપમાં એકમાત્ર મૅચ રમાશે જેમાં સ્પેન વિરુદ્ધ કૅનેડા વચ્ચે મુકાબલો થશે.

ભારત પુલ-‘બી’માં છે અને ગોલકીપર સવિતા પુનિયાના સુકાનમાં ભારતનો પ્રથમ મુકાબલો રવિવારે ઍમ્સ્ટલવીનમાં ઇંગ્લૅન્ડ સામે થશે. ભારતના ગ્રુપમાં ન્યુ ઝીલૅન્ડ અને ચીન પણ છે.

આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા અને જર્મની બે-બે વાર વર્લ્ડ કપ જીત્યાં છે અને નેધરલૅન્ડ્સ પછી બીજા સ્થાને છે. આ વર્લ્ડ કપમાં કુલ ૧૬ દેશો ભાગ લઈ રહ્યા છે. ચાર-ચાર દેશનાં કુલ ચાર ગ્રુપ બનાવાયાં છે. બીજા-ત્રીજા સ્થાને રહેનાર ટીમ ક્રૉસ-ઓવરમાં જશે, જ્યારે ગ્રુપની પહેલા સ્થાનની ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં જશે. ક્રૉસ-ઓવરની ચાર મૅચમાં વિજેતા બનનાર ચાર ટીમ ક્વૉર્ટરમાં જશે અને ક્વૉર્ટરમાં નિર્ધારિત ટીમ સામે રમશે. ત્યાર પછી સેમી ફાઇનલ અને ફાઇનલ રમાશે.

ભારતીય ટીમ : સવિતા પુનિયા (કૅપ્ટન, ગોલકીપર), દીપ ગ્રેસ એક્કા (વાઇસ-કૅપ્ટન), બીચુદેવી ખરીબામ, ગુરજિત કૌર, નિક્કી પ્રધાન, ઉદિતા દુહાન, નવજોત કૌર, મોનિકા મલિક, સુશીલા ચાનુ, નેહા ગોયલ, નિશા વારસી, સોનિકા તાન્ડી, સલિમા ટેટે, વંદના કટારિયા, જ્યોતિ, લાલરેમસિયામી, નવનીત કૌર અને શર્મિલાદેવી.

પુરુષ હૉકી ટીમના બે ખેલાડી અને કોચ કોરોનાગ્રસ્ત
આગામી ૨૮ જુલાઈએ ઇંગ્લૅન્ડમાં શરૂ થનારી કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર ભારતના પુરુષ હૉકી ખેલાડીઓની ટીમના ખેલાડી ગુરજંત સિંહ અને આશિષ કુમાર ટોપ્નો તેમ જ હેડ-કોચ ગ્રેહામ રીડના કોરોનાની ટેસ્ટના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. એ ઉપરાંત, બૅન્ગલોરમાં સપોર્ટ સ્ટાફના ત્રણ મેમ્બર પણ કોરોનાગ્રસ્ત થયા છે. તેઓ બૅન્ગલોરના કૉમનવેલ્થ કૅમ્પમાં હતા. આ કૅમ્પમાં કુલ ૩૧ ખેલાડીએ પ્રૅક્ટિસ શરૂ કરી હતી. ૨૭ જૂને શરૂ થયેલો કૅમ્પ ૨૩ જુલાઈ સુધી ચાલશે.

sports sports news indian womens hockey team hockey