નેમારના મજબૂત ડિફેન્સને ભેદી શકશે મેસી?

10 July, 2021 01:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

કોપા અમેરિકા ટાઇટલ માટે બ્રાઝિલ અને આર્જન્ટિના વચ્ચે રવિવારે વહેલી સવારે ટક્કર થશે.

નેમાર

કોપા અમેરિકા કપની બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચે ભારતીય સમય મુજબ રવિવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે રમાનારી ફાઇનલ કરતાં નેમાર અને લિયાનેસ મેસી વચ્ચેની ટક્કર વધુ છે એવું માનનારાઓની સંખ્યા કંઈ ઓછી નથી. રિયો ડી જાનેરોમાં રમાનારી ફાઇનલમાં વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી મેસી કઈ રીતે બ્રાઝિલના શ્રેષ્ઠ ડિફેન્સને ભેદી શકશે એ જોવા સૌકોઈ આતુર છે. નેમાર અને મેસીની લડાઈ તો એક દેખાવ માત્ર છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કોપા અમેરિકાની કુલ ૬ મૅચમાં નેમારના નેતૃત્વવાળી બ્રાઝિલે માત્ર બે જ ગોલ થવા દીધા છે. 

અનુભવી ખેલાડી થિયેગો સિલ્વા, મૅર્કિનહોસ અને એડર મિલિતાવ બ્રાઝિલ પર ક્યારેય વધુ દબાણ આવવા દેતા નથી. તો ડિફેન્સિવ મિડફીલ્ડર કેસમિરો, ફ્રેડ, ડૅનિલો અને રેનન લોદી તો બચાવ કરવામાં જ માને છે. તેઓ જોખમ ઉઠાવીને આગળ વધી જતા નથી. બીજી તરફ મેસી કોઈ પણ ભોગે જીતવા માગે છે.  ગઈ કાલે કેસમિરોએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘મેસી જે ઝોનમાં રમતો હોય છે હું પણ ત્યાં જ રમું છુ. મૅચ દરમ્યાન ઘણી વખત અમે આમને-સામને હોઈએ છીએ. તમે માત્ર એક ખેલાડી પર આધારિત ન થઈ શકો. તમને સાથીખેલાડીની આવશ્યકતા હોય જ છે. એ જરૂર નેમાર અને રિચાર્લિસન સાથે શરૂ થાય, પણ અંત તો ગોલકીપર સાથે આવે. ૧૧ ખેલાડીઓ આક્રમણ કરે છે અને ૧૧ બચાવ કરતા હોય છે.’ 

બીજી તરફ હવે ૩૪ વર્ષના થયેલા મેસીનો બચાવ કઈ રીતે કરવો એની ફૉર્મ્યુલા આર્જેન્ટિનાની ટીમે શોધી કાઢી છે. અન્ય ખેલાડીઓ પણ ઘણો મોટો ફાળો આપે છે. કોપા અમેરિકામાં મેસીએ ૪ ગોલ કર્યા હતા અને ૪ ગોલ કરવામાં મદદ કરી હતી. આર્જેન્ટિના માટે એક મોટું ટાઇટલ જીતવું એ તેનું સપનું છે. છેલ્લા ૨૮ વર્ષથી આર્જેન્ટિના 
કોઈ મોટી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. 

sports news football