રાડુકાનુએ સતત ૧૭ ગેમ જીત્યા પછી ભૂતપૂર્વ નંબર-વન અઝરૅન્કાને હરાવી

19 August, 2022 11:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાડુકાનુએ મંગળવારે સેરેના વિલિયમ્સને પ્રથમ રાઉન્ડમાં હરાવી

એમ્મા રાડુકાનુ

ઇંગ્લૅન્ડની ૧૯ વર્ષની યુએસ ઓપન ચૅમ્પિયન એમ્મા રાડુકાનુએ બુધવારે મૅસનમાં ટેનિસની વેસ્ટર્ન ઍન્ડ સધર્ન ઓપન (સિનસિનાટી ઓપન)ના બીજા રાઉન્ડમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન વિક્ટોરિયાને ૬-૦, ૬-૨થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. રાડુકાનુએ મંગળવારે સેરેના વિલિયમ્સને પ્રથમ રાઉન્ડમાં હરાવી ત્યારે તેની સામે છેલ્લી તમામ ૭ ગેમ જીત્યા પછી બુધવારે અઝરૅન્કા સામે પહેલી ૧૦ ગેમ જીતીને લાગલગાટ ૧૭ ગેમમાં વિજય મેળવ્યો હતો. મહિલા વર્ગમાં ભૂતપૂર્વ નંબર-વન ખેલાડી અને ગયા અઠવાડિયે ટૉરોન્ટોની સ્પર્ધા જીતનાર સિમોના હાલેપ જમણી સાથળમાં અસહ્ય દુખાવો થતાં સ્પર્ધામાંથી નીકળી ગઈ હતી.

૧૫૨મા નંબરના ચૉરિચ સામે હારી જતાં નડાલનું કમબૅક બગડ્યું

પુરુષોમાં સૌથી વધુ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સ્પેનનો રાફેલ નડાલ ઈજાને કારણે વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાંથી નીકળી ગયા પછી ૬ અઠવાડિયે પાછો રમવા આવ્યો છે, પરંતુ બુધવારે સિનસિનાટી ઓપનના પહેલા રાઉન્ડમાં તેને ક્રોએશિયાના બોર્ના ચૉરિચે હરાવતાં નડાલનું કમબૅક બગડ્યું છે. નડાલની વિશ્વમાં અત્યારે ત્રીજી અને ચૉરિચનો ૧૫૨મો રૅન્ક છે. યુએસ ઓપન પહેલાં તેને મૅચ-પ્રૅક્ટિસ અત્યંત જરૂરી હતી, પરંતુ ચૉરિચે તેને બે કલાક, ૫૧ મિનિટ સુધી ચાલેલી મૅચમાં ૯-૭, ૪-૬, ૬-૩થી હરાવીને સ્પર્ધામાં પ્રગતિ કરી હતી અને નડાલે પૅક-અપ કર્યું હતું.

sports sports news