ચૅમ્પિયન્સ લીગની વિલારિયલ ટીમ સ્પૅનિશ લીગમાંથી ફેંકાઈ ગઈ

08 January, 2022 04:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચૅમ્પિયન્સ લીગના ગ્રુપ ‘એ’માં બીજું સ્થાન ધરાવતી વિલારિયલ ટીમે ગુરુવારે શૉકિંગ પરાજયને કારણે સ્પેનની કોપા ડેલ રે લીગમાંથી બહાર થઈ જવું પડ્યું હતું.

ગુરુવારે ઇટલીની સેરી-એ ફુટબૉલ લીગ દરમ્યાન નેપોલીના ડ્રાઇઝ મટન્ઝનો પગ વચ્ચે આવતાં યુવેન્ટ્સનો ખેલાડી પડી ગયો હતો. આ મૅચમાં ડ્રાઇઝે એક ગોલ કર્યો હતો, પણ પછીથી યુવેન્ટ્સના ફેડરિકો ચીઝાએ પણ ગોલ કરતાં મૅચ ૧-૧થી ડ્રૉ ગઈ હતી. એ. પી.

ચૅમ્પિયન્સ લીગના ગ્રુપ ‘એ’માં બીજું સ્થાન ધરાવતી વિલારિયલ ટીમે ગુરુવારે શૉકિંગ પરાજયને કારણે સ્પેનની કોપા ડેલ રે લીગમાંથી બહાર થઈ જવું પડ્યું હતું. વિલારિયલને સ્પોર્ટિંગ ગિઝોન ક્લબની ટીમે ૨-૧થી હરાવીને અપસેટ સરજ્યો હતો. ૮૮મી મિનિટ સુધી બન્ને ટીમ ૧-૧ની બરાબરીમાં હતી, પણ ૮૮મી મિનિટે બોહડેન મિલોવેનોવે ગોલ 
કરીને સ્પોર્ટિંગ ગિઝોનને રોમાંચક જીત અપાવી હતી.
વિલારિયલ ટીમ ચૅમ્પિયન્સ લીગમાં ૧૪મા સ્થાને છે અને એને સેગુન્ડા લીગમાં ૧૨મો નંબર ધરાવતી ગિઝોને હરાવી છે. વિલારિયલે થોડા દિવસમાં ચૅમ્પિયન્સ લીગમાં યુવેન્ટ્સની ટીમ સામે ટકરાવાનું છે, પણ એના ખેલાડીઓના જુસ્સાને ગુરુવારની હારથી થોડી વિપરીત અસર થઈ છે.
કોપા ડેલ રે લીગની અન્ય એક મૅચમાં સ્પેનની લા લીગા લીગમાં ૧૪મો ક્રમ ધરાવતી ઓસસુના ક્લબનો નીચલા ડિવિઝનની જરોના ટીમ સામે ૦-૧થી પરાજય થયો હતો. આ પહેલાં, નીચલા ડિવિઝનની ટીમો સામે ફર્સ્ટ ડિવિઝનની લવાન્ટે, આલેવેસ, ગ્રેનેડા, ગેટાફી અને સેલ્ટા વિગો જેવી ટીમો હારી ચૂકી છે.
રોમા બે ભૂલને લીધે પરાજિત
ઇટલીની સેરી-એ લીગમાં એસી મિલાનના હાથે રોમા ક્લબની ટીમે પોતાના જ બે પ્લેયરોની ભૂલને કારણે ૧-૩થી પરાજય જોવો પડ્યો હતો. રોમાના ટૅમી અબ્રાહમે ૪૦મી મિનિટે એક ગોલ કર્યો એ પહેલાં તેની એક ભૂલને કારણે હરીફ ટીમને પેનલ્ટી કિક મળી હતી, જેમાં ઑલિવિયરે ગોલ કર્યો હતો. રોમાની બીજી ભૂલ એ હતી કે ૧૭મી મિનિટે એના ડિફેન્ડર રૉજર ઇબાનેઝના ભૂલભર્યા બૅક પાસને લીધે એસી મિલાનના ખેલાડી જુનિયર મેસિયાસને ટીમનો બીજો ગોલ કરવાની તક મળી ગઈ હતી. ૮૧મી મિનિટે રાફેલ લીઓએ ગોલ કરીને એસી મિલાનને ૩-૧થી વિજય અપાવ્યો હતો.
આઠ પ્લેયરોની ગેરહાજરી છતાં જીત
સેરી-એ લીગમાં હેલાસ વેરોના ટીમના આઠ ખેલાડીઓ કોવિડ-પૉઝિટિવ આવતાં રમ્યા ન હોવાથી આ ટીમ નબળી પડી ગઈ હતી છતાં એણે ગુરુવારે સ્પેઝિયા સામે ૨-૧થી વિજય મેળવ્યો હતો.

૧૯મા નંબરની ટીમે બ્રિટિશ ફુટબોલરને ૧૨૧ કરોડમાં સાઇન કર્યો

ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં છેક ૧૯મું સ્થાન ધરાવતી ન્યુ કૅસલ ટીમે ચૅમ્પિયન્સ ટીમ તથા લા લીગા લીગની ટોચની ટીમોમાં ગણાતી ઍટ્લેટિકો મૅડ્રિડના કીરન ટ્રાયપિયર નામના ૩૧ વર્ષની ઉંમરના ખેલાડીને ૧.૨૦ કરોડ પાઉન્ડ (અંદાજે ૧૨૧ કરોડ રૂપિયા)માં સાઇન કરી લીધો છે. ટ્રાયપિયરે ઍટ્લેટિકો મૅડ્રિડને એક સ્પૅનિશ ટાઇટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને તેની સાથેનો કૉન્ટ્રૅક્ટ પૂરો થવામાં હજી ૧૮ મહિના બાકી હતા. તેને ખરીદનાર ન્યુ કૅસલની ટીમ પ્રીમિયર લીગમાં આ સીઝનમાં એક જ મૅચ જીતી છે.

sports news football