ટૉટનમની ૯૫મી અને ૯૭મી મિનિટના ગોલથી રોમાંચક જીત

21 January, 2022 01:29 PM IST  |  Mumbai | Agency

પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર સિટી ફર્સ્ટ, લિવરપુલ સેકન્ડ, ચેલ્સી થર્ડ

સ્ટીવન બર્ગવાઇને બુધવારે ૯૭મી મિનિટમાં ગોલકીપરને પાછળ રાખી ગોલ કરીને લેસ્ટર સિટી સામે ટૉટનમને નાટ્યાત્મક વિજય અપાવ્યો હતો. એ.પી.

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં પાંચમા નંબરની ટીમ ટૉટનમે બુધવારે દસમા ક્રમની લેસ્ટર સિટી સામે ચમત્કારિક રીતે વિજય મેળવ્યો હતો. ૯૦ મિનિટના ફુલ ટાઇમ બાદ ઇન્જરી ટાઇમ (સ્ટૉપેજ ટાઇમ)ની પાંચમી મિનિટે (૯૫મી મિનિટ સુધી) લેસ્ટર સિટીની ટીમ ૨-૧થી આગળ હતી અને જીતવાની તૈયારીમાં જ હતી, પણ ૯૫મી મિનિટે સ્ટીવન બર્ગવાઇને ગોલ કરીને સ્કોર ૨-૨થી સમાન કરી આપ્યો હતો અને પછી બે જ મિનિટ બાદ (૯૭મી મિનિટે) બર્ગવાઇને બીજો ગોલ કરીને ટૉટનમને ૩-૨થી રોમાંચક વિજય અપાવ્યો હતો. એ પહેલાં, ટૉટનમ વતી પ્રથમ ગોલ હૅરી કેને ૩૮મી મિનિટે કર્યો હતો.
અગાઉ સ્ટૉપેજ ટાઇમના બે ગોલથી વિજય મેળવવાનો કિસ્સો ૨૦૧૨માં બન્યો હતો જેમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)એ ૯૨ અને ૯૪મી મિનિટના ગોલથી રેન્જર્સને ૩-૨થી પરાજિત કર્યું હતું.
એમયુની જીત, રોનાલ્ડો સબસ્ટિટ્યુટ
બુધવારે આ જ સ્પર્ધાની અન્ય એક મૅચમાં સાતમા નંબરના એમયુએ ૧૪મા ક્રમાંકના બ્રેન્ટફર્ડને ૩-૧થી હરાવ્યું હતું. સેકન્ડ હાફમાં બાજી એમયુના કબજામાં આવી હતી. ત્રણેય ગોલ બીજા હાફમાં (૫૫, ૬૨, ૭૭મી મિનિટમાં) થયા હતા. મૅચમાં ૨૦ મિનિટ બાકી હતી ત્યારે ટીમના મુખ્ય ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સબસ્ટિટ્યુટ તરીકે રમવા મોકલ્યો હતો.

ઈપીએલમાં મૅન્ચેસ્ટર સિટી ૫૬ પૉઇન્ટ સાથે તમામ ક્લબોમાં મોખરે છે. લિવરપુલ (૪૫) બીજા નંબર પર અને ચેલ્સી (૪૪) ત્રીજા ક્રમે છે.

અન્ય સ્પર્ધાઓમાં શું બન્યું?
(૧) કૅમેરુનના આફ્રિકા કપમાં ઇજિપ્તે સુદાનને ૧-૦થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નાઇજિરિયાએ ગિની-બિસાઉને ૨-૦થી હરાવ્યું હતું. ઘાનાની ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ છે.
(૨) સ્પેનની કોપા ડેલ રે લીગની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ઍટ્લેટિકો મૅડ્રિડનો રિયલ સોસીડેડ સામે ૦-૨થી પરાજય થયો હતો. આ મૅચ પહેલાં મૅડ્રિડમાં સેંકડો લોકોએ ઍટ્લેટિકો મૅડ્રિડના પ્લેયરોની ટીમ-બસ પર હુમલો કર્યો હતો.
(૩) ઇટલીના મિલાન શહેરમાં ઇટાલિયન કપમાં ઇન્ટર મિલાનની ટીમ એમ્પોલીને ૩-૨થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. મિલાને બે ગોલ એક્સ્ટ્રા-ટાઇમમાં ૯૧મી અને ૧૦૪મી મિનિટે કર્યા હતા.

sports news sports