ઑસ્ટ્રેલિયન ઓપનમાં ત્રણ અપસેટ

21 January, 2022 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રીજા રાઉન્ડની મૅચ શનિવારે ૩૨મા જન્મદિને રમશે. બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ અરીના સબાલેન્કા ચીનની શીન્યુ વૉન્ગ સામે બીજા રાઉન્ડમાં ૧-૬, ૬-૪, ૬-૨થી જીતી હતી.

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ત્રણ અપસેટ

મેલબર્નમાં ૨૦૨૨ની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે પહેલો અપસેટ થયો હતો. આ સ્પર્ધાના ખેલાડીઓમાં ત્રીજો ક્રમ ધરાવતી, ૨૦૨૦ની આ ચૅમ્પિયનશિપની રનર-અપ, બે ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતેલી અને બે ગ્રૅન્ડ સ્લૅમમાં રનર-અપ રહેલી સ્પેનની ગાર્બિન્યે મુગુરુઝા વિશ્વમાં ૬૧મી રૅન્ક ધરાવતી ફ્રાન્સની અલીઝે કૉનેટ સામે બીજા રાઉન્ડમાં હારી ગઈ હતી. ૬-૩, ૬-૩થી પરાજય થયો હતો.
કૉનેટ છેલ્લી ૬૦ ગ્રૅન્ડ સ્લૅમ મૅચોમાં ક્યારેય ચોથા રાઉન્ડથી આગળ નથી વધી. તે ત્રીજા રાઉન્ડની મૅચ શનિવારે ૩૨મા જન્મદિને રમશે. બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ અરીના સબાલેન્કા ચીનની શીન્યુ વૉન્ગ સામે બીજા રાઉન્ડમાં ૧-૬, ૬-૪, ૬-૨થી જીતી હતી.
 યુએસ ઓપનની વિજેતા હારી
જોકે, યુએસ ઓપનની વિજેતા બ્રિટનની એમ્મા રાડુકાનુનો બીજા રાઉન્ડમાં ૯૮મા નંબરની ડૅન્કા કોવિનિચ સામે ૪-૬, ૬-૪, ૩-૬થી પરાજય થયો હતો.
મરેનો ૬-૪, ૬-૪, ૬-૪થી પરાજય
પુરુષોના વર્ગમાં ગઈ કાલે બ્રિટનનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ઍન્ડી મરે બીજા રાઉન્ડમાં ૧૨૦મા ક્રમના જપાનના 
ટારો ડેનિયલ સામે ૬-૪, ૬-૪, ૬-૪થી હારી જતાં સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયો હતો.
જૉકોવિચની ગેરહાજરીમાં રશિયાના ડેનિલ મેડવેડેવ આ સ્પર્ધામાં ટોચનો ક્રમાંકિત છે અને તેણે ગઈ કાલે ક્રાઉડના કોલાહલ વચ્ચે બીજા રાઉન્ડમાં સંઘર્ષ બાદ સ્વિસ હરીફ હેન્રી લાક્સૉનેનને ૭-૧, ૬-૪, ૪-૬, ૬-૨થી હરાવ્યો હતો.
પાંચમી રૅન્કનો સ્ટેફાનોસ સિત્સીપાસ, ફિફ્થ-સીડેડ ઍન્ડ્રે રુબ્લેવ, મારીન સિલિચ અને ડૅન ઇવાન્સ પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા.
 
સાનિયા-રાજીવની જોડી બીજા રાઉન્ડમાં

ઑસ્ટ્રેલિયન ઓપનના મિક્સ્ડ-ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં ગઈ કાલે ભારતની સાનિયા મિર્ઝા અને અમેરિકાના રાજીવ રામની જોડી સર્બિયાનાં ઍલેક્સાંડ્રા ક્રુનિચ અને નિકોલા કૅસિચ સામે ૬-૩, ૭-૩થી જીતી ગઈ હતી. સાનિયાએ ૨૦૨૨ના અંતે રિટાયર થવાની જાહેરાત કરી દીધી છે.  એ.એફ.પી.

sports news sports