વિવાદ વકર્યો હોવા છતાં ટોક્યો ઑલિમ્પિક્સ પ્રેસિડન્ટ રાજીનામું નહીં આપે

05 February, 2021 11:35 AM IST  |  Tokyo | Agency

વિવાદ વકર્યો હોવા છતાં ટોક્યો ઑલિમ્પિક્સ પ્રેસિડન્ટ રાજીનામું નહીં આપે

યોશિરો મોરી

અઠવાડિયાની શરૂઆતમાં મહિલાઓ પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ગઈ કાલે ટોક્યો ઑલિમ્પિક્સની ઑર્ગેનાઇઝિંગ કમિટીના પ્રેસિડન્ટ અને જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન યોશિરો મોરીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ ઉપરાંત ટોક્યો ઑલિમ્પિક્સને જરૂર વિના મોકૂફ રાખવાના મુદ્દે પણ તેમને માથે તલવાર ટિંગાઈ રહી છે.

પોતાનો પક્ષ મૂકતાં મોરીએ કહ્યું કે ‘હું રાજીનામા વિશે નથી વિચારી રહ્યો. હું ઘણી મેહનત કરી રહ્યો છું અને છેલ્લાં સાત વર્ષથી નિષ્ઠાપૂર્વક મદદ કરી રહ્યો છું. હું મારા પદેથી નહીં ખસું.’

બીજી તરફ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટીએ પણ કહ્યું છે કે આ મામલે મોરીએ રાજીનામું આપવાની જરૂર નથી, ફક્ત માફી માગશે તો ચાલશે.

વાસ્તવમાં જૅપનીઝ ઑલિમ્પિક કમિટીના બોર્ડ ઑફ ડિરેક્ટરની આ અઠવાડિયાની શરૂઆતમાં ઑનલાઇન યોજાયેલી મીટિંગમાં મહિલાઓ પર ટિપ્પણી કરતાં મોરીએ કહ્યું હતું કે ‘મીટિંગમાં મહિલાઓ ઘણું બોલે છે.’

તેમની આ ટિપ્પણીનો જપાનમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ માફી માગતાં મોરીએ કહ્યું કે ‘મારા દ્વારા જપાન ઑલિમ્પિક કમિટીમાં કરવામાં આવેલી ટિપ્પણી અયોગ્ય હતી જે ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સની ભાવનાઓથી વિરુદ્ધની હતી. મને આ બાબતે ઘણો પસ્તાવો થયો છે અને હું મારું નિવેદન પાછું ખેંચવા માગું છું. જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું.’

tokyo olympics 2020 sports news