સ્પેન સામે વાપસીનો પ્રયાસ કરશે ભારતીય મેન્સ હૉકી ટીમ

27 July, 2021 05:06 PM IST  |  Mumbai | Agency

રિયો ગેમ્સમાં ઑસ્ટ્રેલિયાની ટીમના કોચ રહેલા રીડે કહ્યું હતું કે ભારતીય ટીમ તેમને મળનારી તકનો ઉપયોગ કરશે.  

સ્પેન સામે વાપસીનો પ્રયાસ કરશે ભારતીય મેન્સ હૉકી ટીમ

આજે સ્પેન સામે રમાનારી પુલ-‘એ’ની મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે ખરાબ રીતે હારી જનાર ભારતીય મેન્સ હૉકી ટીમ વાપસીનો પ્રયાસ કરશે. ન્યુ ઝીલૅન્ડ સામે ૩-૨થી વિજયનો પ્રારંભ કરનાર ભારતને ઑસ્ટ્રેલિયાએ ૧-૭થી ખરાબ રીતે હરાવ્યું હતું. આ પરાજયે ભારતની નબળાઈને છતી કરી હતી. પહેલા ક્વૉર્ટર બાદ ઑસ્ટ્રેલિયાને ભારતીય ડિફેન્સને ભેદવામાં કોઈ મુશ્કેલી પડી નહોતી. 
ઑસ્ટ્રેલિયાન કોચ ગ્રૅહામ રીડે ૨૦૧૯થી કાર્યભાર સંભાળ્યા બાદ ભારતનો આ સૌથી મોટો પરાજય હતો. ઑસ્ટ્રેલિયાએ ભારતીય ડિફેન્સ પર જોરદાર દબાણ આણ્યું હતું, જેને કારણે મિડ ફીલ્ડમાં ઘણી જગ્યા થઈ હતી, જેને કારણે ફર્સ્ટ હાફમાં ચાર અને સેકન્ડ હાફમાં ત્રણ ગોલ કરવામાં તેઓ સફળ રહ્યા હતા. જોકે ભારતીય ટીમને વાપસી કરતાં આવડે છે. ભારત હાલમાં પૉઇન્ટ ટેબલમાં ન્યુ ઝીલૅન્ડ બાદ ચોથા ક્રમાંકે છે. બે વિજય સાથે ઑસ્ટ્રેલિયા પ્રથમ ક્રમાંકે છે. ત્યાર બાદ વર્તમાન ઑલિમ્પિક ચૅમ્પિયન આર્જેન્ટિના બીજા ક્રમાંકે છે અને એણે સ્પેન તથા જપાનને હરાવ્યું છે. એક પુલની કુલ ૬ પૈકી ૪ ટીમો ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય થશે. 
ઑસ્ટ્રેલિયા સામે ભારતની કોઈ વિસાત નહોતી. કુલ ૬ પેનલ્ટી મળી હતી, જેમાં એકમાં પણ ભારતીય ટીમ સફળ થઈ નહોતી. રિયો ગેમ્સમાં ઑસ્ટ્રેલિયાની ટીમના કોચ રહેલા રીડે કહ્યું હતું કે ભારતીય ટીમ તેમને મળનારી તકનો ઉપયોગ કરશે.

મહિલાઓ સતત બીજી મૅચ હારી ગઈ

ભારતીય મહિલા હૉકી ટીમ કાલે જર્મની સામે ૦-૨થી હારી ગઈ હતી. નેધરલૅન્ડ્સ સામે ૫-૧થી હાર્યા બાદ ભારતની ટોક્યો ગેમ્સમાં તેમની આ સતત બીજી હાર છે. જર્મનીએ પહેલી મૅચમાં બ્રિટનને હરાવ્યા બાદ આ બીજો વિજય મેળવ્યો છે. ભારતે આ મૅચમાં ઘણી તકો ગુમાવી હતી, જેમાં ગુરજિત કૌર પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહી હતી. 

sports news sports