૨૦૨૨ને યાદગાર બનાવશે ૨૨મો ફિફા વર્લ્ડ કપ

19 November, 2022 04:14 PM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

૨૯ દિવસ, ૩૨ દેશ, ૮૩૨ ખેલાડી, ૧૩૦ રેફરી, ૮ સ્ટેડિયમ, ૬૪ મૅચ

કતારની ટ્રોફી માટેના ફેવરિટ્સની ઇટલીમાં પ્રૅક્ટિસ

છેલ્લે ૨૦૧૮માં ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ રમાઈ ગયો ત્યાર પછી દુનિયામાં ઘણું બદલાઈ ગયું. કંઈકેટલાયની કરીઅર પર પડદો પડી ગયો અથવા આઉટ-ઑફ-ફૉર્મ થયા અને અનેકની કારકિર્દીની ચરમસીમા આવી ગઈ. કોવિડ-19ને કારણે બધાનાં બેથી અઢી વર્ષ બગડ્યાં અને રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઘણાં સમીકરણો બદલાયાં. જોકે હવે ૨૦૨૨નો વિશ્વકપ લગોલગ આવી ગયો છે. આવતી કાલે આરબ દેશ કતારમાં શરૂ થઈ રહેલો આ બાવીસમો ફિફા વર્લ્ડ કપ છે જેને લીધે લગભગ મહિના સુધી આખું જગત ફુટબૉલમય રહેશે. હા, દર ચાર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલથી અનેક દેશો વચ્ચેના અને ઘણા હરીફ ખેલાડીઓ વચ્ચેના સંબંધો સુધરશે અને રમતગમત ફરી એક વાર એકતાનું પ્રતીક પુરવાર થશે.
૧૮ ડિસેમ્બર સુધીના આ સોકર-જલસામાં ૩૨ દેશ ભાગ લઈ રહ્યા છે. દરેકને ૨૦૧૮ના ૨૩ ખેલાડીની સરખામણીએ ત્રણ વધુ એટલે કે ૨૬ પ્લેયરની સ્ક્વૉડ બનાવવાનો મોકો અપાયો છે. એ જોતાં કુલ ૮૩૨ ખેલાડીઓ કતાર પહોંચ્યા છે. તેમની ગેમ પર અને તેમના વર્તન પર નજર રાખવા તેમ જ મૅચને લગતા કાયદા-કાનૂનનું ચુસ્તપણે પાલન કરાવવા કુલ ૧૩૦ રેફરીની ફોજ તૈયાર રાખવામાં આવી છે જેમાં મુખ્ય રેફરી, અસિસ્ટન્ટ રેફરી અને વિડિયો અસિસ્ટન્ટ રેફરીનો સમાવેશ છે. કતારનાં પાંચ શહેરોમાં બનેલાં કુલ આઠ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મૅચો રમાશે અને આવતી કાલની કતાર અને ઇક્વાડોર વચ્ચેની પ્રથમ મૅચથી માંડીને ફાઇનલ સુધીની ૬૪ મૅચ રમાશે.

કતારની ટ્રોફી માટેના ફેવરિટ્સની ઇટલીમાં પ્રૅક્ટિસ
ફુટબૉલના દેશોમાં નંબર-વન રૅન્ક ધરાવતું બ્રાઝિલ છેલ્લે ફિફા વર્લ્ડ કપ જીત્યું એને બે દાયકા થઈ ગયા. ૨૦૦૨ના એ ચૅમ્પિયનપદ બાદ હવે ફરી એક વાર બ્રાઝિલને ટ્રોફી માટે ફેવરિટ ગણવામાં આવી રહ્યું છે. દક્ષિણ અમેરિકા ખંડની આ ટીમના ખેલાડીઓ ઇટલીના ટુરિનમાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે અને હવે કતાર આવવાની તૈયારી કરી રહ્યા છે. બ્રાઝિલની પ્રથમ મૅચ ગુરુવારે ૨૪ નવેમ્બરે સર્બિયા સામે રમાશે. નેમાર આ ટીમનો સુપરસ્ટાર ખેલાડી છે.  

૨૦૨૨ના ફિફા વર્લ્ડ કપની ૩૨માંથી કઈ ટીમનો કોણ કૅપ્ટન?

ગ્રુપ-એ ઃ કતાર (હાસન અલ-હેડોસ), ઇક્વાડોર (એનર વાલેન્સિયા), સેનેગલ (કૅલિડો કોઉલીબેલી), નેધરલૅન્ડ્સ (વર્જિલ વૅન ડિક)
ગ્રુપ-બી ઃ ઇંગ્લૅન્ડ (હૅરી કેન), ઈરાન (એહસાન હજસાફી), અમેરિકા (ક્રિસ્ટિયન પુલિસિચ), વેલ્સ (ગરેથ બેલ)
ગ્રુપ-સી ઃ આર્જેન્ટિના (લિયોનેલ મેસી), સાઉદી અરેબિયા (સલમાન અલ-ફરાજ), મેક્સિકો (ઑન્ડ્રેસ ગ્વાડાર્ડો) પોલૅન્ડ (રૉબર્ટ લેવાન્ડોવ્સ્કી)
ગ્રુપ-ડી ઃ ફ્રાન્સ (હુગો લૉરિસ), ઑસ્ટ્રેલિયા (મૅટ રાયન), ડેન્માર્ક (સાયમન કેઇર), ટ્યુનિશિયા (યોસેફ એમ્સાક્ની)
ગ્રુપ-ઈ ઃ સ્પેન (સર્જિયો બસ્કેટ્સ) કોસ્ટા રિકા (બ્રાયન રુઇઝ), જર્મની (મૅન્યુઅલ નોએર), જપાન (મેયા યોશિદા)
ગ્રુપ-એફ ઃ બેલ્જિયમ (એડન હેઝાર્ડ), કૅનેડા (ઍટિબા હચિન્સન), મૉરોક્કો (રોમેઇન સાઇસ), ક્રોએશિયા (લુકા મૉડ્રિચ)
ગ્રુપ-જી ઃ બ્રાઝિલ (ટિએગો સિલ્વા), સર્બિયા (ડુસેન ટેડિચ), સ્વિટ્ઝરલૅન્ડ (ગ્રૅનિટ ઝાકા), કૅમરુન (વિન્સેન્ટ અબુબકર)
ગ્રુપ-એચ ઃ પોર્ટુગલ (ક્રિસ્ટિયાનો રોનાલ્ડો), ઘાના (ઍન્ડ્યુ આયેવ), ઉરુગ્વે (ડિઍગો ગૉડિન),  સાઉથ કોરિયા (સૉન હ્યુન્ગ-મિન)

sports news football