ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સામે ટેનિસ ખેલાડીઓ વીફર્યા

21 November, 2021 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમેન્સ ટેનિસ અસોસિએશને પેન્ગ શુઇ પ્રકરણમાં ચીનના તમામ પ્રકારની રમતના બહિષ્કારની ધમકી આપી : ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક ​કમિટીનું મૌન

ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સામે ટેનિસ ખેલાડીઓ વીફર્યા

વિશ્વના નામાંકિત ટેનિસ ખેલાડીઓ પોતાના સાથીખેલાડી પેન્ગ શુઇ અચાનક ગાયબ થઈ જતાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પાસેથી આનો જવાબ માગી રહ્યા છે. નાઓમી ઓસાકા, સેરેના વિલિયમ્સ અને નોવાક જૉકોવિચ સાથે ટેનિસનનો કારભાર સંભાળતી સંસ્થાઓ, માનવ અધિકાર સંસ્થાઓ, નિવૃત્ત ખેલાડીઓ તેમ જ કેટલાક ઍથ્લીટ પોતાની તમામ તાકાત એક મહાસત્તા સામે લગાવી રહ્યાં છે. ચીનના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને જી શિંગપિંગના સાથી ઝાંગ ગાઓલી સામે યૌનશોષણનો આરોપ મૂક્યા બાદ પેન્ગ શુઇ ગાયબ છે.
બીજિંગ વિન્ટર ઑલિમ્પિક્સને માત્ર અઢી મહિનાની વાર છે. ચીન પર ૧૦ લાખ ઉગર મુસ્લિમો તેમ જ અન્ય લઘુમતીઓ વિરુદ્ધ ખરાબ વર્તનનો આરોપ છે. જોકે પેન્ગનો કેસ અલગ છે. તે એક સ્ટાર ખેલાડી છે એથી આ મામલે કોઈ મોટો લોકજુવાળ ફાટી ન નીકળે એની કાળજી ચીન લઈ રહ્યું છે. ચીનનું વિદેશ મંત્રાલય પણ આ મામલે કોઈ જાણકારી ન હોવાની વાત કરીને સમગ્ર મામલે જવાબ આપવાનું ટાળી રહ્યું છે. પેન્ગે બીજી નવેમ્બરે સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી, જેમાં ત્રણ વર્ષ પહેલા તેનું બળજબરીથી યૌનશોષણ કરવામાં આવ્યું હોવાની વાત કરી હતી. ત્યાર બાદ આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી.
વિમેન્સ ટેનિસ અસોસિએશનના સીઈઓ સ્ટીવ સિમોને ચીનમાં કોઈ પણ જાતની ઇવેન્ટ કરવાની ના પાડી દીધી છે. વળી ખેલાડીઓ પણ પેન્ગ શુઇ સાથે ઊભાં રહ્યાં છે તેમ જ તે ક્યાં છે અને કેવી હાલતમાં છે એ વિશે પૂછી રહ્યાં છે. સમગ્ર પ્રકરણમાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિકના મૌનથી ખેલાડીઓ અકળાયા છે. ખેલાડીઓના રક્ષણ માટે આઇઓસી શું કરી રહ્યું છે એના પર તમામની નજર છે.

ફોટોએ વધારી ચિંતા
ચીનની સરકારી ટીવીના એક કર્મચારીએ છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલી પેન્ગ શુઇના તાજેતરના ફોટો શૅર કર્યા હતા. યૌનશોષણના આરોપ બાદ આ ખેલાડી ગુમ થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફોટો મૂકીને દાવો કરવામાં આવ્યો હતો કે શુઇ સલામત છે અને બહુ જલદી જાહેરમાં દેખાશે. જોકે ‘ગ્લોબલ ટાઇમ્સ’ના એક કર્મચારીના ટ્વિર-હૅન્ડલ પરથી મૂકવામાં આવેલા ફોટોમાં તે ખરેખર ક્યાં છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એથી ચિંતામાં વધારો થયો છે. ફોટોમાં શુઇ વિલી ધ પુ જેવાં નરમ કપડાંઓમાંથી બનાવેલી વિ​વિધ પ્રાણીઓની પ્રતિકૃતિ સાથે જોવા મળે છે.

sports news sports tennis news china