સેરેનાનો ફરી સ્વપ્નભંગ

08 June, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકન લેજન્ડની રવિવારે ફ્રેન્ચ ઓપનમાં ચોથા રાઉન્ડમાં હાર થવાની સાથે છેલ્લાં ૪ વર્ષથી રેકૉર્ડની બરોબરી કરતું ૨૪મું ગ્રૅન્ડ સ્લૅમ ફરી હાથતાળી આપી ગયું

મહિલા લેજન્ડ સેરેના વિલિયમ્સ

ફ્રેન્ચ ઓપનમાં રવિવાર બે લેજન્ડ માટે વસમો બની રહ્યો હતો. લેજન્ડ રૉજર ફેડરરે વિમ્બલ્ડનમાં ફિટનેસ જાળવી રાખવા ફ્રેન્ચ ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં વિજય મેળવ્યા બાદ બારેક કલાક બાદ ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. ફેડરરે તેના જમણા પગના ઘૂંટણમાં તાજેતરમાં થયેલાં બે ઑપરેશનને લીધે વિશેષ કાળજી લઈને વિમ્બલ્ડનમાં રમવા માટે આ નિર્ણય લીધો હતો. જ્યારે મહિલા લેજન્ડ સેરેના વિલિયમ્સ ચોથા રાઉન્ડમાં ૨૧મી ક્રમાંકિત એલેના રીબાકિના સામે સીધા સેટમાં ૩-૬, ૫-૭થી હારીને બહાર થઈ ગઈ હતી. આ સાથે ફરી એક વાર તેનું સપનું તૂટી ગયું હતું. ૨૦૧૭માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં કરીઅરનું ૨૩મું ગ્રૅન્ડ સ્લૅમ જીત્યા બાદ સેરેના માર્ગારેટ કોર્ટના ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ રેકૉર્ડની બરોબરી માટે ઝઝૂમી રહી છે, પણ એ સતત હાથતાળી આપી રહ્યું છે. 

સેરેનાની વિદાય સાથે ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સમાં ટૉપ ટેન ક્રમાંકિત હવે માત્ર બે મહિલા બચી છે, ગયા વખતની વિજેતા ઇગા સ્વિયાટેક અને રનર-અપ સોફિયા કેનિન.

જૉકોવિચ ક્વૉર્ટર ફાઇનલમાં
મેન્સ સિંગલ્સના વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો. ચોથા રાઉન્ડમાં ગઈ કાલે લોરેન્ઝો મુસેટ્ટીએ પહેલા બન્ને સેટ ૭-૬, ૭-૬થી જીતી લીધા હતા, પણ જૉકોવિચે કમબૅક કરતાં ૬-૧, ૬-૦થી જીતીને બરોબરી કરી લીધી હતી. જોકે પાંચમા સેટમાં જૉકોવિચ ૪-૦થી આગળ હતો ત્યારે ઇન્જરીને લીધે મુસેટ્ટીએ મૅચ છોડી દીધી હતી.

કોકો છેલ્લાં ૧૫ વર્ષની સૌથી યુવા ક્વૉર્ટર ફાઇનલિસ્ટ
જૂના જોગીઓ વિદાય લઈ રહ્યા છે ત્યારે યુવા ખેલાડીઓ ભારે કમાલ કરી રહ્યા છે. ગઈ કાલે મહિલા સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને અમેરિકન ટીનેજર કોકા ગૌફે ઇતિહાસ રચી દીધો હતો. કોકોએ ગઈ કાલે ચોથા રાઉન્ડમાં ટ્યુનિશિયાની ઓન્સ જેબ્યુરને ૫૪ મિનિટમાં સીધા સેટમાં ૬-૩, ૬-૧થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે તે ૧૭ વર્ષ અને ૮૬ દિવસની ઉંમરે ગ્રૅન્ડ સ્લૅમમાં ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરનાર છેલ્લાં ૧૫ વર્ષની સૌથી યુવા ખેલાડી બની હતી. 

ક્વૉર્ટર ફાઇનલમાં તેની ટક્કર હવે ચેક રિપબ્લિકની બારબોરા ક્રેજસિકોવા સામે થશે. બારબોરાએ પણ પહેલી જ વાર ગ્રૅન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બારબોરાએ ૨૦૧૮ની રનર-અપ અને ભૂતપૂર્વ યુએસ ઓપન ચૅમ્પિયન સ્લૉન સ્ટીફન્સને સીધા સેટમાં ૬-૨, ૬-૦થી હરાવી હતી. 

serena williams tennis news roger federer french open sports news sports