ટીનેજર રેડુકાનુ બની નવી યુએસ ઓપન ચૅમ્પિયન

13 September, 2021 08:13 AM IST  |  Mumbai | Agency

ફાઇનલમાં ફર્નાન્ડિઝને હરાવીને ૪૪ વર્ષ બાદ ગ્રૅન્ડ સ્લૅમ જીતનારી બિટિશ ખેલાડી બની

ટીનેજર રેડુકાનુ બની નવી યુએસ ઓપન ચૅમ્પિયન

બ્રિટનની ટીનેજર એમ્મા રેડુકાનુ ગયા મહિને ન્યુ યૉર્કમાં આવી હતી ત્યારે તેનું રેન્કિંગ્સ ૧૫૦મું હતું. માત્ર એક ગ્રૅન્ડ સ્લૅમમાં રમવાનો તેને અનુભવ હતો. વળી યુએસ ઓપનના પ્રિલિમિનરી રાઉન્ડમાં નિષ્ફળ જાય તો પાછી જવાની ફ્લાઇટની ટિકિટ પણ તેણે બુક કરાવી હતી. શનિવારે આર્થર એશ સ્ટેડિયમ અગાઉ ક્યારેય ન બની હોય એવી ઘટનાનું સાક્ષી બન્યું જ્યારે એક ક્વૉલિયર ખેલાડી એમ્માએ ફાઇનલમાં કૅનેડાની ટીનેજર લેલાહ ફર્નાન્ડિઝને ૬-૪, ૬-૩થી હરાવીને ચૅમ્પિયન બની હતી. જીત બાદ રેડુકાનુએ કહ્યું કે મહિલા ખેલાડીઓમાં ભાગ લેનારા પૈકી કોઈ પણ આ ટુર્નામેન્ટ જીતી શકે છે.  
૧૮ વર્ષની રેડુકાનુ અહીં તમામ મૅચ જીતી હતી, જેમાં ત્રણ ક્વૉલિફાઇંગ અને ૭ મેઇન ડ્રૉની મૅચ. વળી એક પણ સેટ ગુમાવ્યા વગર યુએસ ઓપન જીતનારી સેરેના વિલિયમ્સ (૨૦૧૪) બાદ બીજી મહિલા ખેલાડી બની છે. યુએસ ઓપનમાં ૧૯૯૯માં ૧૭ વર્ષની વિલિયમ્સે ૧૮ વર્ષની માર્ટિના હિંગિસને હરાવી હતી. ટ્રોફી પ્રેઝન્ટેશન દરમ્યાન હારનાર ખેલાડી ફર્નાન્ડિઝે આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે હું આશા રાખું છું કે ફરી એક વખત ફાઇનલમાં આવીશ ત્યારે મારી પ્રતિભાની યોગ્ય ટ્રોફી હશે. 
રાડુકાનુ ૧૯૭૭માં વિમ્બલ્ડન જીતનાર વર્જિનિયા વૅડ બાદ પહેલી બ્રિટિશ મહિલા બની છે, જે ગ્રૅન્ડ સ્લૅમ જીતી હોય. મારિયા શારાપોવા ૨૦૦૪માં ૧૭ વર્ષની વયે વિમ્બલ્ડન જીતી હતી. ત્યાર બાદ ગ્રૅન્ડ સ્લૅમ જીતનારી તે સૌથી નાની વયની ખેલાડી બની છે. 

બ્રિટનને મળ્યો નવો સ્પોર્ટ્સ સ્ટાર
રાણી એલિઝાબેથ-ટૂથી માંડીને ઘણા લોકોએ ટીનેજર ટેનિસ ખેલાડી એમ્મા રેડુકાનુને અભિનંદન પાઠવ્યાં હતાં. ખુદ બ્રિટનમાં પણ ઘણા લોકો તેના વિશે જાણતા નહોતા. બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉનસને ટ્વીટ કરતાં કહ્યું હતું કે રસાકસીભરી મૅચ. એમ્મા રેડુકાનુને અભિનંદન. રાણી એલિઝાબેથે કહ્યું કે નાની ઉંમરે બહુ મોટી સિદ્ધિ, તારા અથાક પરિશ્રમનું પરિણામ છે. 

sports news sports us open