સિંધુ અને માલવિકા વચ્ચે જામશે ફાઇનલ જંગ

23 January, 2022 02:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોસેત્સ્કાયા સામે સિંધુએ પહેલો સેટ ૨૧-૧૧થી આસાનીથી જીતી લીધો હતો

પી. વી. સિંધુ

લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે સેમી ફાઇનલમાં રશિયાની એવગેનિયા કોસેત્સ્કાયા ઇન્જરીને લીધે અધવચ્ચે ખસી જતાં ભારતીય સ્ટાર ખેલાડી પી. વી. સિંધુએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે આજે ફાઇનલમાં તેની ટક્કર ભારતની જ માલવિકા બન્સોડ સામે થશે. 
કોસેત્સ્કાયા સામે સિંધુએ પહેલો સેટ ૨૧-૧૧થી આસાનીથી જીતી લીધો હતો. રશિયન ખેલાડી સામે જીતની હૅટ-ટ્રિક માટે આગળ વધી રહી હતી ત્યારે કોસેત્સ્કાયાએ ઇન્જરીને લીધે ખસી જવાનું પસંદ કર્યું હતું. બીજી તરફ માલવિકા બન્સોડે અન્ય સેમી ફાઇનલમાં ભારતની જ અનુપમા ઉપાધ્યા સામે પહેલો સેટ હાર્યા બાદ કમાલના કમબૅક સાથે ૧૯-૨૧, ૨૧-૧૯, ૨૧-૭થી જીત સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 
મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં પણ આજે બે ભારતીય જોડીઓ વચ્ચે જંગ જામવાનો છે. પહેલી સેમી ફાઇનલમાં સાતમા ક્રમાંકિત ઈશાન ભટનાગર અને તનીષા ક્રેસ્ટોની જોડીએ ભારતની જ એમ. આર. અર્જુન અને ત્રિશા જાલીની જોડીને ૧૮-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૧થી હરાવીને તેમ જ બીજી સેમી ફાઇનલમાં ટી. નાગેન્દ્ર બાબુ અને શ્રીવેદા ગુરજાદાની જોડીએ અક્ષન શેટ્ટી અને સિમરન સિંધીની જોડીને ૧૫-૨૧, ૨૨-૨૦, ૨૧-૯થી પરાજિત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 
જોકે મેન્સ સિંગલ્સમાં ભારતે નિરાશા જોવી પડી હતી. સેમી ફાઇનલમાં ભારતનો મિથુન મંજુનાથ એક કલાક અને ૨૪ મિનિટના ત્રણ સેટના સંઘર્ષ બાદ ફ્રાન્સના આર્નોડ મર્કલ સામે ૨૧-૧૯, ૧૭-૨૧, ૨૧-૯થી પરાજિત થયો હતો.

sports sports news pv sindhu p.v. sindhu