પોલ વૉલ્ટમાં ડુપ્લાન્ટિસ પોતાનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને જીત્યો ગોલ્ડ

26 July, 2022 02:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડુપ્લાન્ટિસે રવિવારની હરીફાઈ વાંસની મદદથી મારેલા ૬.૨૧ મીટરના કૂદકા સાથે જીતી લીધી હતી

આર્મોન ડુપ્લાન્ટિસ

અમેરિકાના યુજીન શહેરમાં રવિવારે વર્લ્ડ ઍથ્લેટિક્સની પુરુષોની પોલ વૉલ્ટની હરીફાઈમાં સ્વીડનના આર્મોન ડુપ્લાન્ટિસે પોતાનો જ આગલો વિશ્વવિક્રમ તોડીને ફરી એક વાર ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. વાંસ-કૂદકાની આ હરીફાઈમાં તેણે ૬ મીટરની છલાંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હોત, પરંતુ તેણે તો ૬.૨૦ મીટરના ગયા માર્ચ મહિનાના પોતાના વર્લ્ડ રેકૉર્ડને એક સેન્ટિમીટર માટે ઓળંગ્યો હતો. ડુપ્લાન્ટિસે રવિવારની હરીફાઈ વાંસની મદદથી મારેલા ૬.૨૧ મીટરના કૂદકા સાથે જીતી લીધી હતી.

અમેરિકાનો ક્રિસ્ટોફર નિલ્સેન ૫.૯૪ મીટર ઊંચા કૂદકા બદલ સિલ્વર અને ફિલિપીન્સનો અર્નેસ્ટ જૉન ઑબિયેના એટલા જ ઊંચા કૂદકા (૫.૯૪ મીટર) સાથે બ્રૉન્ઝ જીત્યો હતો.

મહિલાઓની ૧૦૦ મીટર વિઘ્નદોડ નાઇજિરિયાની ટૉબી ઍમુસેને ૧૨.૦૬ સેકન્ડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી, જ્યારે મહિલાઓની ૪X૪૦૦ રિલે દોડમાં અમેરિકા ગોલ્ડ મેડલ જીત્યું હતું.

sports news sports world athletics championships sweden united states of america