ઇન્ડિયન ફુટબોલર પી. કે. બૅનરજીનું લાંબી બીમારી બાદ નિધન

21 March, 2020 12:54 PM IST  |  Kolkata | Agencies

ઇન્ડિયન ફુટબોલર પી. કે. બૅનરજીનું લાંબી બીમારી બાદ નિધન

પી. કે. બૅનરજી

ઇન્ડિયન ફુટબૉલના ભૂતપૂ‍ર્વ લેજન્ડરી પ્લેયર પી. કે. બૅનરજીનું ગઈ કાલે લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ ૮૩ વર્ષના હતા. લાંબા સમયથી તેમને ચેસ્ટ-ઇન્ફેક્શનની તકલીફ હતી. તેમના પરિવારના સભ્યોએ આપેલી માહિતી પ્રમાણે પી. કે. બૅનરજીને છેલ્લાં બે અઠવાડિયાંથી મેડિકા સુપરસ્પેશ્યલિટી હૉસ્પિટલના આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બીજી માર્ચે હૉસ્પિટલમાં ઍડ્મિટ થયેલા પી. કે. બૅનરજીએ બપોરે ૧૨.૪૦ વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. પી. કે. બૅનરજી બે વખત ઑલિમ્પિક વિજેતા રહ્યા હતા અને ૧૯૬૨ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનારી ઇન્ડિયન ટીમના એકમાત્ર જીવિત ગોલ કરનારા પ્લેયર હતા. તેઓ સેપ્સિસ, ન્યુમોનિયાને કારણે મલ્ટિ ઑર્ગન ફેલ્યર અને હૃદયની બીમારીથી પીડાતા હતા.

તેન્ડુલકર અને છેત્રીએ આપી બૅનરજીને શ્રદ્ધાંજલિ

ભૂતપૂર્વ ઇન્ડિયન ફુટબોલર પી. કે. બૅનરજીના અવસાનને લીધે સ્પોર્ટ્સ જગતમાં શોકનો માહોલ ફેલાયો છે. સુનીલ છેત્રીથી માંડી સચિન તેન્ડુલકરે તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. સુનીલ છેત્રીએ ટ્વીટ કરતાં કહ્યું, ‘શ્રી પી. કે. બૅનરજીના નિધન પર હું તેમના પરિવાર અને ફુટબૉલ જગતના દુખમાં સહભાગી છું. ભારતીય ફુટબૉલના ઇતિહાસમાં તેઓ તેમની ઉપલબ્ધિના આધારે એક મહત્ત્વનો ભાગ ભજવતા હતા. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.’

પી. કે. બૅનરજી ૧૯૬૧માં અર્જુન અવૉર્ડ મેળવનાર પહેલા ઇન્ડિયન ફુટબોલર હતા. ૧૯૯૦માં તેમને પદ્‍મશ્રી અને ફિફા ફેરપ્લે અવૉર્ડ તેમ જ ૨૦૦૪માં ‌ફિફા સેન્ટેનિયલ ઑર્ડર ઑફ મેરિટ એનાયત કરવામાં આવ્યો હતો. સચિન તેન્ડુલકરે કહ્યું, ‘મહાન ભારતીય ફુટબોલર પી. કે. બૅનરજીના નિધન પર અત્યંત શોક છે! તેમને થોડા પ્રસંગે મળવાની અને તેમની સકારાત્મકતાનો પરચો આપતી અનેક યાદો મારી સાથે છે. તેમના આત્માને શાંતિ મળે આવી પ્રાર્થના.’

football sports news sports