સ્પેનની મહિલા ફુટબૉલ ટીમનો કોચ સામે બળવો

24 September, 2022 08:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિલ્ડાની હકાલપટ્ટી નહીં કરાય તો નૅશનલ ટીમ છોડી જવાની તમામ ૧૫ પ્લેયર્સની ધમકી

સ્પેનની મહિલા ફુટબૉલ ટીમનો કોચ સામે બળવો

મહિલા ફુટબૉલમાં આઠમો રૅન્ક ધરાવતી સ્પેનની વિમેન્સ ટીમે કોચ બદલવાની માગણી કરી છે, પરંતુ સ્પૅનિશ ફેડરેશને એ ઠુકરાવી દેતાં આ ટીમની તમામ ૧૫ પ્લેયર્સ નૅશનલ ટીમ છોડી જવાનું વિચારી રહી છે. તેમણે આ કોચના કોચિંગમાં રમવાની મનાઈ કરી દીધી છે.

જોર્જ વિલ્ડા સ્પૅનિશ વિમેન્સ ટીમના કોચ છે અને ફેડરેશનને તમામ ૧૫ ખેલાડી તરફથી આ કોચની હકાલપટ્ટી કરી નવા કોચ નીમવાની માગણીવાળી ઈ-મેઈલ ફેડરેશનને કરી છે. જોકે સ્પૅનિશ મીડિયા અનુસાર બળવો કરનાર આ ખેલાડીઓમાં અવૉર્ડ-વિનિંગ ટોચની ખેલાડી ઍલેકિયા પુટેલસ સામેલ નથી. બંડ કરનાર ખેલાડીઓનું કહેવું છે કે કોચ વિલ્ડાને કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે તેમ જ તેમની ભાવનાઓને પણ વિપરીત અસર થઈ રહી છે. આમાંથી કેટલીક પ્લેયર્સ પ્રોફેશનલ ફુટબૉલમાં બાર્સેલોના ક્લબ વતી અને કેટલીક મૅન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ વતી રમે છે.

ફેડરેશને કહ્યું છે કે ‘નૅશનલ કોચ કે કોચિંગ સ્ટાફની કોઈ પણ વ્યક્તિ તેના હોદ્દા પર રહેવી જોઈએ કે નહીં એ નક્કી કરવાની જવાબદારી ખેલાડીઓની નથી એટલે તેમને આ માગણીનો કોઈ અધિકાર નથી. અમે કોઈ પણ ખેલાડીના દબાણમાં નહીં આવીએ.’

sports news sports