ટેનિસ ખેલાડી બે દિવસમાં ત્રણ મૅચ જીતીને બની ચૅમ્પિયન!

20 September, 2022 12:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડબલ્સની વર્લ્ડ નંબર-વન સિનિઆકોવા ૨૦૨૨ની સેકન્ડ-લૉન્ગેસ્ટ ફાઇનલ રમી

કૅટરિના સિનિઆકોવા

ચેક રિપબ્લિકની ૨૬ વર્ષની ટેનિસ ખેલાડી કૅટરિના સિનિઆકોવા રવિવારે સ્લોવેનિયામાં છેક પાંચ વર્ષે ટાઇટલ જીતી હતી, પરંતુ આ ટાઇટલ તેને માટે તો યાદગાર છે જ, તે કેટલીક રીતે રેકૉર્ડ-બુકમાં આવી ગઈ છે. તેણે પોર્ટોરોઝ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં વિમ્બલ્ડન ચૅમ્પિયન અને કઝાખસ્તાનની રબાકિનાને ૪-૭, ૭-૫, ૬-૪થી હરાવી હતી.

મહિલા ડબલ્સની વર્લ્ડ નંબર-વન સિનિઆકોવાએ વરસાદને કારણે આ સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલ શનિવારે રમવી પડી હતી. એ જ દિવસે નિર્ધારિત સમયપત્રક પ્રમાણે સેમી ફાઇનલ રમાઈ હતી, જેમાં તે જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને ખૂબ થાકી ગઈ હોવા છતાં રવિવારે ફાઇનલ રમી હતી અને જીતી હતી. આ ફાઇનલ ૩ કલાક, ૬ મિનિટ સુધી ચાલી હતી. ૨૦૨૨ની આ સેકન્ડ-લૉન્ગેસ્ટ ફાઇનલ છે. મે મહિનામાં ઑન્જેલિક કર્બર ૩ કલાક, ૧૬ મિનિટ સુધી ચાલેલી કૅયા યુઆન સામેની (આ વર્ષની સૌથી લાંબી) ફાઇનલ જીતી હતી.

sports news sports tennis news