બે વર્ષ અને ચાર મહિના બાદ ટાઇટલ જીતી સિંધુ

24 January, 2022 12:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પી. વી. સિંધુએ ગઈ કાલે લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની ફાઇનલ આસાનીથી જીતીને બીજી વાર આ સ્પર્ધાનું ટાઇટલ જીતી લીધું હતું

સિંધુ

બે વાર ઑલિમ્પિક્સ મેડલ જીતી ચૂકેલી ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ગઈ કાલે લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની ફાઇનલ આસાનીથી જીતીને બીજી વાર આ સ્પર્ધાનું ટાઇટલ જીતી લીધું હતું. તેણે ફક્ત ૩૫ મિનિટ સુધી ચાલેલી વન-સાઇડેડ ફાઇનલમાં ભારતની જ માલવિકા બાંસોદને ૨૧-૧૩, ૨૧-૧૬થી હરાવી દીધી હતી. સિંધુ આ પહેલાં ૨૦૧૭માં આ સ્પર્ધામાં ચૅમ્પિયન બની હતી.
સિંધુ બે વર્ષ, ચાર મહિના અને ૨૯ દિવસ બાદ ફરી ટાઇટલ જીતી છે. એ પહેલાં, મિક્સ્ડ-ડબલ્સમાં ભારતનાં ઇશાન ભટનાગર અને તનિશા ક્રાસ્ટોની જોડીઅે ફાઇનલમાં ભારતનાં જ ટી. હેમા નગેન્દ્ર બાબુ તથા શ્રીવૈદ્ય ગુરાઝાદાની જોડીને ૨૧-૧૬, ૨૧-૧૨થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
પુરુષોમાં ઓર્નલ્ડ મર્કલ અને લુકાસ ક્લેરબાઉટમાંથી અેક જણ કોવિડ-પૉઝિટિવ જાહેર થતાં તેમની વચ્ચેની ફાઇનલ નો મૅચ’ ઘોષિત કરાઈ હતી.

sports sports news