સિંધુ સેમીમાં : સુવર્ણચંદ્રકથી બે ડગલાં દૂર

31 July, 2021 09:24 AM IST  |  Mumbai | Agency

વર્લ્ડ ચૅમ્પિયને જપાનની હરીફને સ્ટ્રેઇટ ગેમમાં હરાવી : જોકે, હવે વર્લ્ડ નંબર વન યિન્ગ સાથે છે તેની ટક્કર

સિંધુઅે ગઈ કાલે જપાનની અકાને યામાગુચીને ફક્ત ૫૬ મિનિટમાં હરાવી દીધી હતી. પી.ટી.આઇ., વર્લ્ડ નંબર વન તાઇવાનની તાઇ ત્ઝુ યિન્ગ ભારતની સિંધુ માટે સૌથી મોટો અવરોધ છે. પી.ટી.આઇ.

મહિલા બૅડ્મિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સની જેમ હવે ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ સિંગલ્સમાં સફળતાનું એક પછી એક પગથિયું ચડીને ભારતને અનેરું ગૌરવ અપાવવાની દિશામાં આગળ વધી રહી છે. ૨૦૧૬માં રિયોમાં રનરઅપ રહીને સિલ્વર મેડલ જીતનારી સિંધુ હવે ટોક્યોમાં ભારતને ગમેએમ કરીને ગોલ્ડ મેડલ અપાવવા દૃઢનિશ્ચયી છે. ગઈ કાલે તે સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને હવે પોતાને હાથતાળી આપી રહેલા ગોલ્ડ મેડલથી તે માત્ર બે ડગલાં દૂર છે. જો તે ફાઇનલ જીતશે તો મહિલા બૅડ્મિન્ટનમાં ભારતે સૌપ્રથમ ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો કહેવાશે.
૨૬ વર્ષની પુસર્લા વી. સિંધુએ ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં યજમાન જપાનની અકાને યામાગુચીને માત્ર ૫૬ મિનિટમાં સ્ટ્રેઇટ ગેમમાં ૨૧-૧૩, ૨૨-૨૦થી હરાવીને લાસ્ટ ફોરના વર્ગમાં પ્રવેશ મેળવી લીધો હતો. અકાનેની વિશ્વમાં પાંચમી અને સિંધુની સાતમી રૅન્ક છે. એ જોતાં સિંધુની તેની સામેની જીત ખૂબ ધ્યાનાકર્ષક કહેવાય અને ભારતને સુવર્ણચંદ્રક અપાવવા માટે તે મજબૂત દાવેદાર છે.
યિન્ગને મોટી મૅચોમાં હરાવી છે
સિંધુ સેમી ફાઇનલમાં તાઇવાનની તાઇ ત્ઝુ યિન્ગ સામે રમશે. વર્લ્ડ નંબર વન યિન્ગનો સિંધુ સામે ૧૩-૭નો જીત-હારનો રેશિયો છે. યિન્ગે ગઈ કાલે ક્વૉર્ટરમાં થાઇલૅન્ડની રૅચનોક ઇન્થેનનને ૧૪-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૮થી હરાવી હતી. સિંધુ અને યિન્ગની જેમ ચીનની ચેન યુ ફેઇ અને હી બિન્ગ જિઆઓ પણ સેમી ફાઇનલમાં પહોંચી છે. સિંધુ વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી ચૂકી હોવાથી વર્તમાન વિશ્ર્વવિજેતા છે, જ્યારે યિન્ગ વર્લ્ડ રૅન્કિંગમાં અત્યારે અવ્વલ છે. જોકે, મોટી મૅચોમાં સિંધુએ યિન્ગને પરાજિત કરી છે. એ મોટી સ્પર્ધાઓની મૅચ રિયો ઑલિમ્પિક્સ, ૨૦૧૯ વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને ૨૦૧૮ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં રમાઈ હતી.
અગાઉની ભૂલો ન થવા દીધી
ગઈ કાલની મૅચમાં સિંધુએ ખૂબ જ સારી સંરક્ષણાત્મક ગેમનું પ્રદર્શન કરવા ઉપરાંત આક્રમક શૉટ્સથી પણ અકાનેને ખૂબ નબળી સાબિત કરી હતી. સિંધુએ અગાઉ આ વર્ષના માર્ચમાં જ અકાનેને હરાવી હતી અને તેની સામેના ૧૧-૭ના જીત-હારના રેશિયો સાથે ક્વૉર્ટર ફાઇનલમાં રમવા ઊતરી હતી. ગુરુવારે સિંધુએ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ડેન્માર્કની મયા બ્લિચફેલ્ટને પણ સળંગ ગેમમાં પરાજિત કરી હતી.
સિંધુએ ગઈ કાલે સેમીમાં પ્રવેશ્યા પછી આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે ૅપહેલી ગેમમાં મોટા ભાગે મારું નિયંત્રણ હતું. મેં તેની સામેની મારી અગાઉની ભૂલો નહોતી થવા દીધી. બીજી ગેમમાં અકાનેએ સારું કમબૅક કર્યું, પરંતુ એ પછી મેં મારી રમત સુધારી હતી અને જીતવાની આશા જરાય નહોતી છોડી અને છેવટે જીતીને રહી. હું મારા પફોર઼્ર્મન્સથી ખુશ છું.’

pv sindhu p.v. sindhu sports news sports