સેરેનાની કમબૅક ટુર્નામેન્ટમાં વહેલી ‘એક્ઝિટ’: વિમ્બલ્ડનની તૈયારી માટે વધુ સમય મળશે

24 June, 2022 01:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ખુદ ૪૦ વર્ષની સેરેનાએ ગયા વર્ષે ઈજાને કારણે રમવાનું અટકાવી દીધું હતું અને લગભગ ૧૨ મહિને પાછી રમવા આવી છે

સેરેના વિલિયમ્સ

૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ એક વર્ષે પાછી રમવા આવી છે અને ગઈ કાલે ઈસ્ટબૉર્ન ખાતેની ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સની સેમી ફાઇનલ રમવાની હતી, પરંતુ તેની જોડીદાર ટ્યુનિશિયાની ઑન્સ જૅબ્યરને ઘૂંટણમાં ઈજા થતાં એ મૅચ નહોતી રમાઈ અને સેરેનાએ નિરાશ હાલતમાં ટેનિસ કોર્ટની બહાર આવવું પડ્યું હતું.

ખુદ ૪૦ વર્ષની સેરેનાએ ગયા વર્ષે ઈજાને કારણે રમવાનું અટકાવી દીધું હતું અને લગભગ ૧૨ મહિને પાછી રમવા આવી છે. ગઈ કાલે તેઓ મેગ્દા લિનેટ અને અલેકસાન્ડ્રા ક્રુનિચ સામે સેમી ફાઇનલમાં રમવાની હતી, પણ હવે એ મૅચ ન રમાવાની હોવાથી સેરેના-જૅબ્યર આ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે અને સેરેના સોમવારે શરૂ થનારી વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની તૈયારી માટે વધુ સમય આપી શકશે. તેને આ સ્પર્ધામાં વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી મળી છે. જૅબ્યર અને સેરેના વિમ્બલ્ડનમાં ડબલ્સમાં જોડીમાં રમવા માટે ખૂબ આશાવાદી છે.

sports sports news tennis news serena williams