ઑસ્ટ્રેલિયન ઓપન માટેનાં સીડિંગ જાહેર

12 January, 2022 12:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વૅક્સિન વિનાનો જૉકોવિચ અને ફુલ્લી વૅક્સિનેટેડ ઍશ બાર્ટી સર્વોચ્ચ ક્રમાંકિત

ગઈ કાલે મેલબર્નમાં ઑસ્ટ્રેલિયન ઓપનના સ્થળે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન નોવાક જૉકોવિચ સાથી ખેલાડીઓ સાથે બહુ સારા મૂડમાં હતો. સોમવારે તે આ શહેરની કોર્ટમાં વિઝાનો કેસ જીતી ગયો હતો. (તસવીર : એ.એફ.પી.)

સોમવાર ૧૭ જાન્યુઆરીએ મેલબર્નમાં શરૂ થનારી વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ઑસ્ટ્રેલિયન ઓપનના સત્તાધીશોએ ગઈ કાલે આ ટેનિસ સ્પર્ધાને લગતા ક્રમાંકિતો જાહેર કર્યા હતા જેમાં સર્બિયાના વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચને પુરુષોમાં અને ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર વન ઍશ બાર્ટીને મહિલાઓમાં મોખરાની રૅન્ક આપવામાં આવી છે.
ટેનિસ જગતમાં કોવિડ-વૅક્સિન સંબંધમાં અભૂતપૂર્વ વિવાદ ઊભો કરનાર જૉકોવિચ વૅક્સિન લીધા વગર ઑસ્ટ્રેલિયા આવ્યો છે, જ્યારે બાર્ટીએ વૅક્સિનના બન્ને ડોઝ લીધા છે. જૉકોવિચના વિઝાનો મુદ્દો હજી ઊભો જ છે, પણ સ્પર્ધાના સત્તાધીશોએ નિયમ મુજબ ક્રમાંકિતો જાહેર કરવા પડ્યા છે.
જૉકોવિચને વિઝા રદ થવાના મુદ્દે સોમવારે મેલબર્નની અદાલતમાં જીત મળી હતી, પણ જૉકોવિચના વિઝા ફરી રદ કરવાની અને તેને ત્રણ વર્ષ માટે ઑસ્ટ્રેલિયા આવવાની મનાઈ કરવાની સત્તા ઑસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મિનિસ્ટર ઍલેક્સ હૉક પાસે છે.
૨૧મા ટાઇટલની હરીફાઈ
જૉકોવિચને સ્પેનના રાફેલ નડાલની જેમ ૨૧મું વિક્રમજનક ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો સુવર્ણ મોકો છે. જૉકોવિચ ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં હારી જતાં ૨૧મું ટાઇટલ ત્યારે ચૂકી ગયો હતો.
ફેડરર ઈજાને લીધે નથી રમવાનો
રૉજર ફેડરરનાં પણ તેમની જેમ કુલ ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે, પરંતુ તે જમણા ઘૂંટણની ઈજાને કારણે નથી રમવાનો.
દરમ્યાન ગયા વર્ષે જૉકોવિચ યુએસ ઓપનની ફાઇનલમાં હારી જતાં ૨૧મા વિક્રમી ટાઇટલથી વંચિત રહ્યો હતો. એ ફાઇનલમાં તેને હરાવનાર ડેનિલ મેડવેડેવને ઑસ્ટ્રેલિયન ઓપનમાં જૉકોવિચ પછીનું બીજું સેકન્ડ સીડિંગ મળ્યું છે.
બાર્ટીને ઘરઆંગણે જીતવું છે
મહિલાઓમાં ગયા વર્ષની ચૅમ્પિયન જપાનની નાઓમી ઓસાકાને ૧૩મું સીડિંગ મળ્યું છે. સર્વોચ્ચ સીડિંગ ધરાવનાર ઑસ્ટ્રેલિયાની ઍશ બાર્ટી ૨૦૧૯માં ફ્રેન્ચ ઓપનનું અને ગયા વર્ષે વિમ્બલ્ડનનું સિંગલ્સનું ટાઇટલ જીતી હતી, પરંતુ ઘરઆંગણાની ઑસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધાની ટ્રોફીથી હજીયે તે વંચિત રહી છે જે તેને આ વખતે કેમેય કરીને જીતવી છે. ૨૦૨૦માં તે મેલબર્નની આ સ્પર્ધામાં સેમી ફાઇનલમાં હારી ગઈ હતી.

2
ભારતનો યુકી ભામ્બ્રી ઑસ્ટ્રેલિયન ઓપનના ક્વૉલિફાયર્સના આટલામા રાઉન્ડમાં પહોંચ્યો છે. તેણે ગઈ કાલે પોર્ટુગલના ડૉમિન્ગ્વેસને ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો. જોકે રામકુમાર અને અંકિત રૈના હારી ગયા હતા.

જૉકોવિચનાં વિરોધાભાસી વિધાનો વિશે શેન વૉર્ન ખુલાસો ઇચ્છે છે

ઑસ્ટ્રેલિયન ઓપનનું શહેર મેલબર્ન વિક્ટોરિયા સ્ટેટમાં આવેલું છે અને ભૂતપૂર્વ ક્રિકેટર શેન વૉર્ન આ સ્ટેટનો છે. નોવાક જૉકોવિચને વૅક્સિનેશન વગર જે રીતે ઑસ્ટ્રેલિયામાં આવવાની છૂટ મળી એને લગતું જે આખું નાટક થઈ રહ્યું છે એને લઈને વૉર્ન પોતાને વિક્ટોરિયાનો નાગરિક હોવા બદલ શરમ અનુભવી રહ્યો છે.
વૉર્ને ગઈ કાલે ટ્વિટર પર લખ્યું હતું, ‘નોવાક જૉકોવિચના મુદ્દે જે ગૂંચવાડો થઈ ગયો છે એ સંબંધમાં મેં જે અહેવાલો વાંચ્યા એ શું સાચા છે? શું કોઈ મને સાદી અંગ્રેજી ભાષામાં સમજાવશે? નોવાક કહે છે કે ૧૬ ડિસેમ્બરે તેનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને ૧૭મીએ તેણે બાળકોની એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. નોવાક કહે છે કે ૬ દિવસ પહેલાં ઑસ્ટ્રેલિયામાં આવતાં પહેલાં ૧૪ દિવસ દરમ્યાન તેણે કોઈ વિદેશી મુસાફરી નહોતી કરી, પણ બીજી જાન્યુઆરીએ તો તે સ્પેન ગયો હતો! નોવાકને ઑસ્ટ્રેલિયા આવવા માટેની વૅક્સિનેશનલ મુક્તિનું સર્ટિફિકેટ આપ્યું કોણે? તે વ્યક્તિની ઓળખ થઈ છે? વિક્ટોરિયા સ્ટેટની સરકાર કેમ ચૂપ છે? હું તો વિક્ટોરિયાનો સિટિઝન હોવા બદલ શરમ અનુભવું છું.’

જૉકોવિચે મધરાતે કરી પ્રૅક્ટિસ : બેકર કહે છે, પ્રેક્ષકો તેનો હુરિયો બોલાવશે

જર્મનીનો ટેનિસ-લેજન્ડ ૨૦૧૩થી ૨૦૧૬ દરમ્યાન નોવાક જૉકોવિચનો કોચ હતો. બેકરે બીબીસીને મુલાકાતમાં કહ્યું છે કે ‘જૉકોવિચે અદાલતી કેસમાં પોતાને નૈતિક ટેકો આપનારાઓનો આભાર માન્યો છે. સોમવારે કેસ જીત્યા બાદ તેણે છેક મધરાતે ઑસ્ટ્રેલિયન ઓપન માટેની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. વર્લ્ડ નંબર વનની આ જ તો મોટી ખાસિયત છે અને તે બીજાઓથી તદ્દન અલગ છે. જોકે કેટલાકને ડર છે કે અમુક પ્રેક્ષકો જૉકોવિચનો હુરિયો બોલાવવા માટે જ તેની મૅચ જોવા આવશે અને એ દરમ્યાન પ્રેક્ષકોનાં જૂથ વચ્ચે હિંસા થવાની પણ સંભાવના રહે છે. જોકે તેની વિરુદ્ધમાં કોઈ હુરિયો બોલાવે કે સીટી વગાડે એનાથી તે ટેવાયેલો છે એટલે તે કોઈ પ્રેશરમાં નહીં આવે.’

sports sports news novak djokovic