સાનિયા મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં

27 May, 2022 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રેન્ચ ઓપનમાં બોપન્ના પ્રી-ક્વૉર્ટરમાં : રામકુમાર જીત્યા પછી હાર્યો

સાનિયા મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં

પૅરિસની ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધામાં ગઈ કાલે ભારતની સાનિયા મિર્ઝા અને ક્રોએશિયાના ઇવાન ડૉડિગની મિક્સ્ડ ડબલ્સ જોડી મેક્સિકો-જર્મનીની હરીફ જોડી સામે જીતીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. સાનિયા-ઇવાને ૭-૪, ૬-૨થી જીત મેળવી હતી.
ભારતનો રોહન બોપન્ના અને નેધરલૅન્ડ્સનો મૅટવે મિડલકૂપ ગઈ કાલે ડબલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો. તેમણે કઝાખસ્તાનના આન્દ્રે ગોલુબેવ અને ફ્રાન્સના ફૅબ્રિસ માર્ટિનને ૬-૩, ૬-૪થી હરાવ્યા હતા. આ મૅચ એક કલાક ૬ મિનિટ સુધી ચાલી હતી. આ ક્લે-કોર્ટ ટુર્નામેન્ટ છે અને બોપન્ના ૨૦૧૧માં, ૨૦૧૬માં, ૨૦૧૮માં અને ૨૦૨૧માં આ સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.

જોકે રામકુમાર રામનાથન બુધવારે ગ્રૅન્ડ સ્લૅમની પ્રથમ મૅચ જીત્યા બાદ ગઈ કાલે બીજા મુકાબલામાં હારી ગયો હતો. ડબલ્સમાં તેણે અને અમેરિકાના હન્ટર રીસે જર્મનીના ડેનિયલ ઑલ્ટમેઇર અને ઑસ્કર ઑટેને ૭-૪, ૬-૩થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ગઈ કાલે રામનાથન-રીસની જોડી બ્રિટન-નેધરલૅન્ડ્સના નીલ સ્કપ્સ્કી અને વેસ્લી કૂલ્હોફ સામે ૩-૬, ૨-૬થી હારી ગઈ હતી.

7
ફ્રેન્ચ ઓપનના મહિલા વર્ગમાં કુલ ૧૨માંથી આટલી સીડેડ ખેલાડીઓ પહેલા બે રાઉન્ડમાં હારી ગઈ છે.

ભૂતપૂર્વ નંબર-વન પ્લિસકોવા ૨૨૭મા ક્રમની પ્લેયર સામે હારી ગઈ

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન અને ગયા વર્ષની વિમ્બલ્ડનની રનર-અપ કૅરોલિના પ્લિસકોવા ગઈ કાલે અપસેટનો શિકાર બની હતી. તેને વિશ્વમાં ૨૨૭મી રૅન્ક ધરાવતી અને વાઇલ્ડ-કાર્ડ તરીકે આ સ્પર્ધામાં પ્રવેશેલી ફ્રાન્સની લીઓલિનાએ ૬-૨, ૬-૨થી હરાવી હતી.
પુરુષોની સિંગલ્સમાં વર્લ્ડ નંબર-ટૂ રશિયાના ડેનિલ મેડવેડેવે સર્બિયાના લેસ્લો ડિયેરેને ૬-૩, ૬-૪, ૬-૩થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.
સર્બિયાના વર્લ્ડ-નંબર વન નોવાક જૉકોવિચે બુધવારે બીજા રાઉન્ડમાં સ્લોવેકિયાના ઍલેક્સ મૉલ્કનને સેકન્ડ રાઉન્ડમાં ૬-૨, ૬-૩, ૭-૪થી હરાવીને થર્ડ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

sania mirza sports news sports