સિંધુની આગેકૂચ, સાઇના આઉટ

14 January, 2022 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયા ઓપનમાં ૨૦ વર્ષની માલવિકાએ તેની આઇડલને હરાવીને સરજ્યો અપસેટ, લક્ષ્ય સેન અને પ્રણય ક્વૉર્ટર ફાઇનલમાં

પી.વી. સિંધુ

પાટનગર દિલ્હીની ઇન્ડિયા ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધાની ભૂતપૂર્વ ચૅમ્પિયન સાઇના નેહવાલને ગઈ કાલે મોટો ઝટકો લાગ્યો હતો. ૨૦ વર્ષની માલવિકા બનસોડેએ તે જેને પોતાની આઇડલ માને છે એ સાઇનાને બીજા રાઉન્ડમાં ૨૧-૧૭, ૨૧-૯ એમ સીધા સેટમાં હરાવીને મોટો અપસેટ સરજ્યો હતો. પહેલા રાઉલેન્ડમાં હરીફ ચેક રિપબ્લિકની ટેરેઝા સ્વાબિકોવા મૅચની અધવચ્ચે ઈજા થઈ એટલે ખસી જતાં સાઇના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. 
વર્લ્ડ રૅન્કિંગ્સમાં ૧૧૧મો ક્રમાંક ધરાવતી માલવિકાએ માત્ર ૩૪ મિનિટમાં ભૂતપૂર્વ નંબર વન સાઇનાને હરાવી હતી. આ સાથે ૨૦૧૭ બાદ સાઇનાને ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં હરાવનાર માલવિકા બીજી ભારતીય ખેલાડી બની હતી. માલવિકા હવે ક્વૉર્ટર ફાઇનલમાં ભારતની જ આકર્ષી કશ્યપ સામે ટકરાશે. 
વિજય બાદ માલવિકાએ કહ્યું કે ‘હું પહેલી જ વાર સાઇના સામે રમી હતી. મેં બૅડ્મિન્ટન રમવાનું શરૂ કર્યું ત્યારથી તેમને હું મારી આઇડલ માનતી આવી છું. આથી તેમની સામે રમવું મારા માટે સપનું સાકાર થવા સમાન હતું અને એ પણ આટલી મોટી ઇન્ડિયન ઓપન ટુર્નામેન્ટમાં. મારી કરીઅરની અત્યાર સુધીની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે.’
બીજી તરફ સાઇના છેલ્લા ઘણા સમયથી ઈજાઓથી પરેશાન છે અને એને લીધે જ તે તેનો અસલી ટચ 
નથી મેળવી શકતી. 
સિંધુ સીધા સેટમાં જીતી
ટૉપ સીડેડ સિંધુએ જોકે તેની વિજયકૂચ જાળવી રાખી હતી અને ભારતની જ ઇરા શર્માને ૨૧-૧૦, ૨૧-૧૦ એમ એકસરખા સ્કોર સાથે સીધા સેટમાં હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સિંધુની ટક્કર હવે ભારતની જ અશ્મિતા ચલિહા સામે થશે. અશ્મિતાએ ફ્રેન્ચ ખેલાડી યેલે હોયોક્સને સીધા સેટમાં ૨૧-૧૭, ૨૧-૧૪થી પરાસ્ત કરી હતી. 
લક્ષ સેન-પ્રણય ક્વૉર્ટરમાં
પુરુષ વિભાગમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલિસ્ટ લક્ષ્ય સેને સ્વીડનના ફેલિક્સ બુરેસ્ટેડને ૨૧-૧૨, ૨૧-૧૫થી હરાવીને તથા અન્ય ભારતીય ખેલાડી એચ. એસ. પ્રણોય ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા હતા. પ્રણોયનો હરીફ મિથુ મંજુનાથ કોવિડ પૉઝિટિવ જણાતાં ટુર્નામેન્ટમાં ખસી ગયો હતો. 

sports news badminton news saina nehwal