કોરોના રિપોર્ટના ડ્રામા બાદ સાઇના નેહવાલની જીત સાથે થઈ શરૂઆત

14 January, 2021 12:53 PM IST  |  Thailand | Agencies

કોરોના રિપોર્ટના ડ્રામા બાદ સાઇના નેહવાલની જીત સાથે થઈ શરૂઆત

સાઇના નેહવાલ

મંગળવારે કોરોના રિપોર્ટના ડ્રામા બાદ સાઇના નેહવાલ ગઈ કાલે પ્રથમ રાઉન્ડમાં જીત સાથે થાઇલૅન્ડ ઓપનમાં શુભ શરૂઆત કરી હતી. મંગળવારે સાઇનાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી, પણ સાઇનાએ સત્તાધીશોને સમજાવ્યું હતું કે તેને નવેમ્બરમાં કોરોના થયો હતો, એની અસરને લીધે આવું થયું છે. બ્લડ ટેસ્ટ અને છાતીના એક્સરે બાદ અને થોડા જ કલાકમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેને રમવાની છૂટ મળી હતી અને ગઈ કાલે પહેલા રાઉન્ડમાં મલેશિયન ખેલાડી સામે ૨૧-૧૫, ૨૧-૧૫ એમ સીધા સેટમાં જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
જોકે સાઇનાનો પતિ પુરુપલ્લી કશ્યપને ગઈ કાલે પહેલા રાઉન્ડમાં જ ઇન્જરીને લીધે અધવચ્ચે મૅચ છોડવી પડી હતી અને ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયો હતો. ભૂતપૂર્વ કૉમનવેલ્થ ચૅમ્પિયન કશ્યપ પહેલા રાઉન્ડના ત્રીજા અને નિર્ણાયક સેટમાં ૮-૧૪થી પાછળ હતો ત્યારે સ્નાયુ ખેંચાઈ જતાં મૅચ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. કશ્યપ પહેલો સેટ ૯-૨૧થી હારી ગયો હતો, પણ બીજા સેટમાં કમબૅક કરીને ૨૧-૧૩થી જીતી લીધો હતો. બીજી તરફ કિદામ્બી શ્રીકાંતે ભારતના જ સાથી ખેલાડી સૌરભ વર્માને ૧૩ મિનિટમાં જ ૨૧-૧૧, ૨૧-૧૧થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો,
આ ઉપરાંત મેન્સ ડબલ જોડી સાત્વીકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પાછળ પડ્યા બાદ સાઉથ કોરિયન જોડી કિમ ગી જંગ અને લી યંગ ડૅઇને ૧૯-૨૧, ૨૧-૧૬ અને ૨૧-૧૪થી હરાવીને કમાલ કરી હતી. આ જીત બાદ ભારતીય જોડી રાજીની રેડ થઈ ગઈ હતી, કારણ કે તેઓ લી યંગ ડૅઇને તેમનો આદર્શ માને છે.

saina nehwal coronavirus badminton news