થૅન્ક યુ રૉજર

25 September, 2022 12:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એકમેકની બાજુમાં બેસીને હાથ પકડીને સાથે રડતા રૉજર ફેડરર અને રાફેલ નડાલે લંડનની મૅચ બાદ અજાણતાં જ એક અવિસ્મરણીય ક્ષણ બનાવી હતી, જેને ભવિષ્યમાં જરૂર યાદ કરવામાં આવશે

યુરોપિયન ટીમના ખેલાડીઓએ છેલ્લે રૉજરને આ રીતે ઊંચકી લીધો હતો.

એકમેકની બાજુમાં બેસીને હાથ પકડીને સાથે રડતા રૉજર ફેડરર અને રાફેલ નડાલે લંડનની મૅચ બાદ અજાણતાં જ એક અવિસ્મરણીય ક્ષણ બનાવી હતી, જેને ભવિષ્યમાં જરૂર યાદ કરવામાં આવશે, જ્યાં ફેડરરને લેવર કપની મૅચ બાદ આંસુ ભરી આંખે વિદાય આપી હતી. બન્ને ખેલાડીઓ જ્યારે એકમેકની વિરુદ્ધ રમતા હતા ત્યારે જાણે સ્ટીલના બનેલા હોય એવા દેખાતા હતા, પરંતુ તેઓ સાથે બેઠા ત્યારે લાગણીશીલ બની ગયા હતા. તેમને રડવામાં કોઈ શરમ નહોતી લાગી. એ બતાવે છે કે તેઓ બાળક જેવું કુમળું હૃદય ધરાવતા હતા. તેમણે વિશ્વ સમક્ષ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે નવા ખેલાડીઓ માટે એક અમૂલ્ય શિખામણ હશે.

દરેક ખેલાડી માટે આ ક્ષણ આવતી હોય છે. ટેનિસ ખેલાડી રૉજર ફેડરર માટે પણ આવી હતી. ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર ખેલાડી ૪૧ વર્ષની વયે શુક્રવારે રાત્રે છેલ્લી મૅચ રમ્યો હતો. ટીમ યુરોપ માટે તેનો સાથી-ખેલાડી હતો હરીફ રાફેલ નડાલ. જોકે બન્ને ટીમ વર્લ્ડના ફ્રાન્સિસ ટિઆફો અને જૅક સોક સામે ૬-૪, ૭-૬, ૧૧-૯થી હારી ગયા હતા. પરાજય બાદ ફેડરર નડાલને ગળે મળ્યો હતો અને ત્યાર બાદમાં ટિઆફો અને સોકને ભેટ્યો હતો. ત્યાર બાદ ટીમ યુરોપના અન્ય સભ્યોનું અભિવાદન કરવા લાગ્યો ત્યારે રડવા માંડ્યો હતો.

લંડનમાં રેવર કપમાં કારકિર્દીની છેલ્લી મૅચમાં પરાજય બાદ લાગણીશીલ થયેલો રૉજર ફેડરર તથા તેની બાજુમાં રાફેલ નડાલ

ફેડરર અને નડાલ સાથે રડતા હોય એવા ફોટોને ટ્વીટ કરતાં વિરાટ કોહલીએ લખ્યું કે ‘કોણ કહેશે કે આ બન્ને હરીફ હતા, જે એકબીજા માટે આવી લાગણી ધરાવે છે, આવું અનુભવી શકે છે. આ જ રમતની સુંદરતા છે. મારા માટે આ રમતનો શ્રેષ્ઠ ફોટોગ્રાફ છે.’ ફેડરર માત્ર ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ જ નહોતો જીત્યો, તે હરીફોનાં દિલ પણ જીત્યો હતો. ખરેખર ફેડરર જેવો બીજો કોઈ નહીં હોય.

sports sports news roger federer