ટેકેદારો જૉકોવિચના પડખે, નિરાશ્રિતોમાં જાગી આશા

10 January, 2022 03:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા સરકારની વિનંતી ફગાવાઈ

નોવાક જૉકોવિચ

સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચને ગયા મહિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાથી તેને વૅક્સિનેશનમાંથી મળેલી મુક્તિના આધારે ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવા ઑસ્ટ્રેલિયા આવવાની છૂટ મળી હોવાની જે દલીલ તેના વકીલોએ અદાલતને સુપરત કરેલી અપીલમાં કરી હતી એ મુદ્દે આજની અદાલતની સુનાવણી પહેલાં ગઈ કાલે બે મોટી ઘટના બની હતી.
સમગ્ર સર્બિયામાં તેમ જ જૉકોચિવને ચાર દિવસથી મેલબર્નમાં જે પાર્ક હોટેલમાં રાખવામાં આવ્યો છે એની બહાર તેના અસંખ્ય ચાહકોએ જૉકોવિચના સપોર્ટમાં દેખાવ કર્યા હતા. કેટલાક તો મેલબર્નમાં સર્બિયાનો રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને સરઘસમાં ઊભા હતા તો કેટલાક લોકો સંગીત પર નાચ્યા હતા. બીજી તરફ, ઑસ્ટ્રેલિયામાં જૉકોવિચના જ દેશના એવા ઘણા લોકો છે જેઓ જૉકોવિચથી પણ ઘણા લાંબા સમયથી વૅક્સિનેશનમાંથી મુક્તિ મેળવવાની અપીલની સુનાવણીની રાહ જોઈ રહ્યા છે. આ લોકોને નિરાશ્રિત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. જૉકોવિચ પરનો ચુકાદો આ લોકો માટે પથદર્શક બની રહેશે એવું ગઈ કાલે નિષ્ણાતોનું માનવું હતું. ચાર દિવસ પહેલાં જૉકોવિચે વૅક્સિન લીધા વિના ઑસ્ટ્રેલિયામાં આવવા બદલ તેના વિઝા રદ કરાયા હતા અને તેને પાછો સર્બિયા મોકલી દેવાની હિલચાલ શરૂ થઈ હતી.

ઑસ્ટ્રેલિયા સરકારની વિનંતી ફગાવાઈ
જૉકોવિચના કેસની સુનાવણી આજે હાથ ધરવાને બદલે બુધવાર પર મોકૂફ રાખવાની ઑસ્ટ્રેલિયન સરકારની વિનંતીને અદાલતે ગઈ કાલે નકારી કાઢી હતી.

sports sports news novak djokovic