રમત ગમત ક્ષેત્રના મહત્વના ન્યૂઝ વાંચો એક ક્લિકમાં

10 July, 2021 01:31 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

રમત ગમત ક્ષેત્રના મહત્વના ન્યૂઝ ટૂંકમાં જોઈએ.

મૅટો બેરેટિની

લૅન્ગર ટીકા છતાં કોચપદે યથાવત્ રહેવા માગે છે 

આ વર્ષની શરૂઆતમાં અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ઑસ્ટ્રેલિયાને ભારતે હરાવ્યું હતું. ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૅન્ગરે કહ્યું હતું કે ‘મોટા ભાગની ટીકાએ મને મૂંઝવણમાં મૂક્યો હતો. કેટલીક ટીકાને લીધે મને આંચકો પણ લાગ્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી કોચ તરીકે મેં સકારાત્મક ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હતો. ક્રિકેટ બોર્ડ અને સીઈઓને મારા પર વિશ્વાસ છે. ભારત સામેની હાર મને ગમી નહોતી. હાર કોઈને ગમતી નથી. હું ઑસ્ટ્રેલિયન ક્રિકેટને પ્રેમ કરુ છું. અમે હજી સુધી શ્રેષ્ઠ ટીમ નથી બન્યા, પરંતુ અમે હવે બનવા માગીએ છીએ. એ જ રીતે હું પણ શ્રેષ્ઠ કોચ બનવા માગું છું.’ 


બેરેટિની પહોંચ્યો ફાઇનલમાં

વિમ્બલ્ડનની પહેલી સેમી ફાઇનલમાં ગઈ કાલે ઇટલીના મૅટો બેરેટિનીએ પૉલેન્ડના હ્યુબર્ટ હુકાર હુર્જાક્ઝને ૬-૩, ૬-૦, ૬-૭, ૬-૪થી હરાવ્યો હતો. ફાઇનલમાં તેની ટક્કર જૉકોવિચ અને શાપોવાલોવ વચ્ચે રમાનારી બીજી સેમી ફાઇનલના વિજેતા સાથે થશે. ઇટલીના ખેલાડી બેરેટિનીએ કૅનેડાના અલિસિમને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, તો પોલૅન્ડના હુર્જાક્ઝે ફેડરરને ક્વૉર્ટર ફાઇનલમાં હરાવ્યો હતો. 

ફુટબૉલ અન્ડર-૨૩ એશિયન કપમાં ભારત ‘ઈ’ ગ્રુપમાં

આગામી ૨૩થી ૩૧ ઑક્ટોબર દરમ્યાન યુએઈમાં આયોજિત ૨૦૨૨ અન્ડર-૨૩ એશિયન કપ ક્વૉલિફાયર્સ માટે ભારતનો ગ્રુપ-ઈમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૧ ગ્રુપમાં કુલ ૪૨ ટીમ રમશે, જેમાં ૧૫ સ્પૉટ ખાલી છે. યજમાન તરીકે ઉઝબેકિસ્તાનનો આ કપમાં આપોઆપ સમાવેશ થયો છે. વિવિધ ટીમોને બે રીજનમાં વહેંચવામાં આવી  છે. વેસ્ટ રીજનમાં કુલ ૨૩ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ઈસ્ટ રીજનમાં ૧૯ અને ઓશિયાન દેશની ટીમો વચ્ચે સ્પર્ધા થશે. ૧૧ જેટલી ગ્રુપ વિજેતા ટીમો અને બીજા ક્રમાંકની ચાર ટીમો ફાઇનલ માટે ક્વૉલિફાય થશે. ભારતના ‘ઈ’ ગ્રુપમાં યુએઈ ઓમાન અને કિર્ગીઝ રિપબ્લિકનો સમાવેશ છે. 

Sports news tennis news football