બૅડ્‍મિન્ટનના ચૅમ્પિયન ભારતીયો મેડલ ગળામાં જ રાખીને સૂઈ ગયા!

17 May, 2022 02:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમણે બ્રૉન્ઝ મેડલની અપેક્ષા રાખી હતી, પણ સુવર્ણચંદ્રક સાથે ચૅમ્પિયન બની ગયા એ તેમને માટે બહુ મોટું આશ્ચર્ય છે

રવિવારે થોમસ કપના ચૅમ્પિયન ભારતીય ખેલાડીઓએ પોતાનો ફોન સ્પીકર પર રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણી વાર સુધી વાતો કરી હતી. પીએમે બધાને ખૂબ-ખૂબ અભિનંદન આપ્યાં હતાં.

ભારતીય બૅડ્‍મિન્ટનના ટોચના પુરુષ ખેલાડીઓ બૅન્ગકૉકની થોમસ કપ ટુર્નામેન્ટમાં રમવા જવા ભારતથી રવાના થયા ત્યારે એમાંના કદાચ કોઈએ પણ નહીં ધાર્યું હોય કે તેઓ ઇન્ડોનેશિયા જેવી સૌથી મોટી ચૅમ્પિયન ટીમને આસાનીથી હરાવીને આ સ્પર્ધાના પહેલા ગોલ્ડ મેડલ સાથે પાછા આવશે. તેમણે બ્રૉન્ઝ મેડલની અપેક્ષા રાખી હતી, પણ સુવર્ણચંદ્રક સાથે ચૅમ્પિયન બની ગયા એ તેમને માટે બહુ મોટું આશ્ચર્ય છે. એટલે જ તેઓ રવિવારની રાતે ગળામાં પોતપોતાનું મેડલ પહેરીને જ સૂઈ ગયા હતા.

આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ક્વૉર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલ મુકાબલામાં મહત્ત્વની સિંગલ્સ મૅચ જીતનાર એચ. એસ. પ્રણોયે કહ્યું કે ‘અમે થોમસ કપ જીતી લઈશું એવું ધાર્યું જ નહોતું, કારણ કે આ સ્પર્ધામાં ધરખમ એટલે કે ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ ભાગ લઈ રહી હતી. અમને મેડલની આશા હતી, પણ ગોલ્ડ મેડલ જીતીશું એ તો અમારા સપનાથી પણ વિશેષ કહેવાય. ઇન્ડોનેશિયા સામેની ફાઇનલ ૩-૦થી જીતી લઈને બધા ખેલાડીઓ ગાંડા થઈ ગયા છે. અમે બધા એટલા ખુશ છીએ કે એને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. રવિવારે ચૅમ્પિયન બન્યા પછી અમે સેલિબ્રેટરી ડિનર લીધું, મિત્રો અને પરિવારજનો સાથે ફોન પર વાતો કરી અને બધાએ આ જીત ખૂબ એન્જૉય કરી.’

રવિવારે ભારતીય ટીમ ૨-૦થી આગળ હતી ત્યાર પછી કિદામ્બી શ્રીકાંતે જોનતન ક્રિસ્ટીને હરાવ્યો કે તરત જ ભારતીય ખેલાડીઓ બૅડ્‍મિન્ટન કોર્ટ પર દોડી આવ્યા હતા અને શ્રીકાંત સાથે મળીને જીત સેલિબ્રેટ કરી હતી.

આજથી થાઇલૅન્ડ ઓપન : સિંધુ, સાઈનાની ફરી કસોટી

થોમસ કપના સ્થળ બૅન્ગકૉકમાં આજે થાઇલૅન્ડ ઓપન શરૂ થઈ રહી હોવાથી ભારતના ચૅમ્પિયન ખેલાડીઓ હવે એમાં રમવામાં વ્યસ્ત થઈ જશે. ચૅમ્પિયન ભારતીય ટીમની ડબલ્સના પ્લેયર્સ (ઈજાગ્રસ્ત) ચિરાગ શેટ્ટી અને તેનો પાર્ટનર સત્વિકસાઈરાજ રૅન્કિરેડ્ડી આ સ્પર્ધામાં નહીં રમે, પરંતુ કિદામ્બી શ્રીકાંત, એચ. એસ. પ્રણોય, બી. સાઈ પ્રણીત તેમ જ અન્ય ખેલાડીઓ અને મહિલાઓમાં પી. વી. સિંધુ તથા સાઇના નેહવાલ તેમ જ અન્ય પ્લેયર્સ રમવાનાં છે.

sports sports news