15 August, 2024 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની મજબૂત બૅટિંગ લાઇનઅપ અને શાનદાર બોલિંગની ગુણવત્તાને જોતાં ભારત ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ જીતવાની હૅટ-ટ્રિક કરવામાં સક્ષમ છે. ઑસ્ટ્રેલિયામાં છેલ્લી બે ટેસ્ટ-સિરીઝ જીતીને ભારતે પ્રતિષ્ઠિત બૉર્ડર-ગાવસકર ટ્રોફી જાળવી રાખી હતી. ૨૦૧૬-’૧૭થી ઑસ્ટ્રેલિયા ભારત સામે બૉર્ડર-ગાવસકર ટ્રોફી નથી જીતી શક્યું. ૨૦૧૮-’૧૯ અને ૨૦૨૦-’૨૧ બાદ ફરી એક વાર ઑસ્ટ્રેલિયા જઈને ભારત આ ટેસ્ટ-સિરીઝ રમશે.
શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ફિટ છે, અમારી પાસે મોહમ્મદ સિરાજ પણ છે. અમારી પાસે રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ છે અને કેટલીક સારી ‘બેન્ચ સ્ટ્રેંગ્થ’ પણ છે. અમે સિરીઝ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ અને મને લાગે છે કે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાની હૅટ-ટ્રિક ફટકારી શકે છે.’
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પૉન્ટિંગે તાજેતરમાં આગાહી કરી હતી કે તેમનો દેશ ૩-૧થી સિરીઝ જીતશે. આજથી ઑલમોસ્ટ ૧૦૦ દિવસ બાદ બાવીસમી નવેમ્બરથી પર્થના મેદાન પર બન્ને દેશ વચ્ચે પાંચ મૅચની સિરીઝ શરૂ થશે.