સિંધુ સહેલાઈથી, સેન સંઘર્ષ કરીને સેમી ફાઇનલમાં

15 January, 2022 03:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડબલ્સમાં ભારતના ઇશાન ભટનાગર અને સાઈ પ્રતીક મલેશિયાની જોડી સામે માત્ર ૧૯ મિનિટમાં ૭-૨૧, ૭-૨૧થી જીતી ગયા હતા

લક્ષ્ય સેન

પાટનગર દિલ્હીમાં ગઈ કાલે ઇન્ડિયા ઓપન બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપમાં બે ઑલ-ઇન્ડિયન ક્વૉર્ટર ફાઇનલ્સ રમાઈ હતી. ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી પી. વી. સિંધુ માત્ર ૩૬ મિનિટમાં ભારતની જ અશ્મિતા ચલિહા સામે ૨૧-૭, ૨૧-૧૮થી જીતીને સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. પુરુષ વર્ગની ક્વૉર્ટરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ-મેડલિસ્ટ લક્ષ્ય સેન ભારતના જ એસ. એસ. પ્રણોય સામેના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં પ્રથમ સેટ ૧૪-૨૧થી હારી ગયા બાદ પછીના બે સેટ ૨૧-૯, ૨૧-૧૪થી જીતીને સેમીમાં પહોંચ્યો હતો.
સિંધુ હવે સેમી ફાઇનલમાં થાઇલૅન્ડની સુપાનિદા કેટથૉન્ગ સામે રમશે. બીજી સેમીમાં ભારતની જ આકર્ષી કશ્યપ થાઇલૅન્ડની બ્રુસેનન ઑન્ગબામ્રુન્ગફાન સામે રમશે. બ્રુસેનને ક્વૉર્ટરમાં ભારતની માલવિકા બાંસોદને ૨૧-૧૨, ૨૧-૧૫થી હરાવી હતી.
ડબલ્સમાં ભારતના ઇશાન ભટનાગર અને સાઈ પ્રતીક મલેશિયાની જોડી સામે માત્ર ૧૯ મિનિટમાં ૭-૨૧, ૭-૨૧થી જીતી ગયા હતા. 

sports sports news