ખેલના ભી હૈ, ખિલના ભી હૈ

23 May, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન મોદીએ બૅડ્‍મિન્ટનના ચૅમ્પિયન ખેલાડીઓને કહ્યું, ‘તમારી અપ્રતિમ સિદ્ધિ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. તમારે હજી વધુ રમવાનું છે અને વધુ ટ્રોફી જીતવાની છે’

વડા પ્રધાન મોદીએ ગઈ કાલે દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને બૅડ્‍મિન્ટનના ચૅમ્પિયન ખેલાડીઓ તેમ જ મેન્ટર પુલેલા ગોપીચંદ (વચ્ચે) અને કોચ ઉપરાંત સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ સાથે ઘણી વાર સુધી વાતચીત કરી હતી. પી.ટી.આઇ.

પુરુષોની બૅડ્‍મિન્ટનમાં ટીમ-ઇવેન્ટ માટે સર્વોત્તમ ગણાતી થોમસ કપ ટુર્નામેન્ટ તાજેતરમાં પહેલી જ વાર ફાઇનલમાં પહોંચ્યા બાદ ૧૪ વખત ટ્રોફી જીતી ચૂકેલા ઇન્ડોનેશિયાની ટીમને એ નિર્ણાયક મુકાબલામાં ૩-૦થી હરાવીને ભારત પાછા આવેલા ચૅમ્પિયન ખેલાડીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ મુજબ ગઈ કાલે તેમના નિવાસસ્થાને જઈને તેમને મળ્યા હતા અને પીએમ સાથે ઘણી ચર્ચા કરી હતી તેમ જ પોતાના અનુભવ શૅર કર્યા હતા.
૧.૨૫ અબજ લોકોનું સપનું સાકાર
એ.એન.આઇ.ના અહેવાલ મુજબ વડા પ્રધાને આ ઐતિહાસિક વિજય મેળવનાર ખેલાડીઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે ‘આવનારા સમયમાં તમે બધા હજી ઘણાં મેડલ અને ટ્રોફી જીતશો. તમારે બધાએ હજી ઘણું રમવાનું છે અને તમારા પર્ફોર્મન્સમાં ઘણી પ્રગતિ પણ માણવાની છે. ખેલના ભી હૈ, ખિલના ભી હૈ. તમારે અને તમારા જેવા બીજા ટૅલન્ટેડ ખેલાડીઓ અને ઍથ્લીટોએ દેશને ખેલજગતમાં ઘણો આગળ લઈ જવાનો છે. ભારત હવે અન્ય કોઈ પણ દેશથી પાછળ રહેશે નહીં. તમારી સિદ્ધિ ખેલકૂદમાં આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તમારો વિજય દેશના ખેલકૂદના ઇતિહાસ માટે એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ બની ગયો છે. તમે બધાએ બૅન્ગકૉકમાં પહેલાં ડેન્માર્ક જેવી સ્ટ્રૉન્ગ ટીમોને અને ફાઇનલમાં સૌથી વધુ ૧૪ વાર ચૅમ્પિયન બનેલા ઇન્ડોનેશિયાની ટીમને હરાવવામાં કેટલા મોટા માનસિક દબાણનો સામનો કર્યો હશે એ હું સમજી શકું છું. તમે બધાએ દેશની ૧.૨૫ અબજની પ્રજાનું ૭ દાયકાથી અધૂરું રહેલું સપનું સાકાર કર્યું છે, દેશમાં પ્રચંડ ઊર્જાનું સિંચન કર્યું છે.’
આ નાનીસૂની ઉપલબ્ધિ નથી ઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોમસ કપના ચૅમ્પિયન ખેલાડીઓને કહ્યું, ‘તમે કોઈ નાનીસૂની ઉપલબ્ધિ નથી મેળવી. આ મહત્ત્વપૂર્ણ વિજય છે. હું તો કહું છું કે તમે નથી જાણતા કે તમે કેવડી મોટી સિદ્ધિ મેળવી છે. તમે આટલા મોટા મંચ પર ટ્રોફી હાંસલ કરો એટલે દેશના ખેલક્ષેત્રની ઇકોસિસ્ટમમાં બદલાવ આવી જાય. રમતગમતનું જે કલ્ચર છે એને પ્રચંડ વેગ મળે અને દેશમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ વધી જાય. તમે દેશને આ બધુ પણ મેળવી આપ્યું છે. આપણી મહિલા ટીમ ઉબેર કપમાં મેડલ ચૂકી ગઈ, પણ મને વિશ્વાસ છે કે તેઓ આવતા વર્ષે આ ટુર્નામેન્ટમાં મેડલ જરૂર જીતશે. યસ, વી કૅન ડુ ઇટ.’ભારતીય સ્પોર્ટ‍્સનો સુવર્ણકાળ
મોદીએ કહ્યું હતું કે, ‘ભારતીય સ્પોર્ટ‍્સનો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને તમે તથા તમારા જેવા બીજા ઍથ્લીટો આ ગોલ્ડન પિરિયડના રચયિતા છો.’

મોદીએ લક્ષ્ય સેન પાસે સ્પેશ્યલ મીઠાઈ મગાવી!


થોમસ કપની ચૅમ્પિયન ટીમના ખેલાડી લક્ષ્ય સેને ગઈ કાલે એ.એન.આઇ.ને કહ્યું હતું કે ‘વડા પ્રધાન મોદીએ મને અલ્મોડાથી ફેમસ બાલ મીઠાઈ લાવવા ખાસ ફરમાઇશ કરી હતી. એ મીઠાઈ તેમને ભેટ આપવાનો મને યાદગાર અવસર મળ્યો હતો. તેમણે ખૂબ આનંદપૂર્વક એ મીઠાઈ સ્વીકારીને મને અનેરું ગૌરવ અપાવ્યું. મારા પિતા અને મારા દાદાજી પણ રમતવીર હતા એ મોદીજી સારી રીતે જાણતા હતા. આટલી મોટી હસ્તી તેમના વિશે મારી સાથે ચર્ચા કરે એનાથી હું પોતાને ગર્વિષ્ઠ માનું છું.’

narendra modi sports news