પી. વી. સિંધુ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

29 July, 2021 04:28 PM IST  |  Mumbai | Agency

ગ્રુપ સ્ટેજની બીજી મૅચમાં હૉન્ગકૉન્ગની ખેલાડીને ૨૧-૯, ૨૧-૧૬થી હરાવી

પી.વી. સિંધુ

ભારતને મેડલ માટે જેની પાસેથી સૌથી વધુ આશા છે એ બૅડ્મિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ કાલે ગ્રુપ સ્ટેજની તેની બીજી મૅચ જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ૨૦૧૬માં રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર સિંધુએ ગઈ કાલે બીજી મૅચમાં હૉન્ગકૉન્ગની ૩૪મા ક્રમાંકિત એન. વાય. ચીઉન્ગને માત્ર ૩૫ મિનિટમાં સીધા સેટમાં ૨૧-૯, ૨૧-૧૬થી હરાવી દીધી હતી. ચીઉન્ગ સામે સિંધુની આ સતત છઠ્ઠી જીત હતી. 
સાતમા ક્રમાંકિત સિંધુ માટે હવે ખરાખરીનો ખેલ શરૂ થશે. હવે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ડેન્માર્કની ૧૨મા ક્રમાંકિત મિયા બ્લિચફેલ્ટ સામે થશે. બ્લિચફેલ્ટ ગ્રુપ વનમાં ટૉપમાં રહી હતી. સિંધુ અને બ્લિચફેલ્ટ વચ્ચે અત્યાર સુધી પાંચ વાર ટક્કર થઈ છે જેમાં સિંધુએ ચાર જીત સાથે દબદબો બનાવ્યો છે. જોકે આ વર્ષે બન્ને એક-એક વાર જીત મેળવીને બરોબરી પર છે. જાન્યુઆરીમાં થાઇલૅન્ડ ઓપનમાં બ્લિચફેલ્ટે સિંધુને ૧૬-૨૧, ૨૬-૨૪, ૨૧-૧૩થી હરાવી હતી, પણ ત્યાર બાદ માર્ચમાં સ્વિસ ઓપનમાં સિંધુએ ૨૨-૨૦, ૨૧-૧૦થી જીતીને બદલો લઈ લીધો હતો.

પ્રણીથ હારીને બહાર

બૅડ્મિન્ટનમાં જોકે પુરુષ વર્ગમાં ભારતને નિરાશા મળી હતી. ભારતનો બી. સાઈ પ્રણીથ ગ્રુપ-ડીની છેલ્લી મૅચમાં નેધરલૅન્ડના એમ. કૉલજોવ સામે ૧૪-૨૧, ૧૪-૨૧થી હારી ગયો હતો. આ હાર સાથે તે નૉક-આઉટમાં પ્રવેશ કરવાથી વંચિત રહી ગયો હતો અને ગેમ્સમાંથી બહાર થઈ ગયો હતો. 

sports news sports