જૉકોવિચનું યર ગ્રૅન્ડ સ્લૅમનું સપનું તૂટ્યું

14 September, 2021 05:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રશિયન ખેલાડી મેડવેડેવ બન્યો યુએસ ચૅમ્પિયન, રેકૉર્ડ અકબંધ રહેતાં રોડ લેવરે આપ્યાં અભિનંદન

નોવાક જૉકોવિચ

પુરુષોની ટેનિસ સ્પર્ધામાં ૧૯૬૯ બાદ પહેલી વખત કૅલેન્ડર યર ગ્રૅન્ડ સ્લૅમ કરવાનો નોવાક જૉકોવિચનો પ્રયાસ સફળ થયો નહોતો, પરિણામે ચેન્જ ઓવર દરમ્યાન ટૉવેલથી તે પોતાનું મોઢું ઢાંકીને આંસુ છુપાવવાનો પ્રયત્ન કરતો હતો. ૨૦૨૧માં હાર્ડ કોર્ટ હોય કે ક્લે કોર્ટ કે પછી ગ્રાસ કોર્ટ જૉકોવિચ હાર્યો નહોતો. રવિવારે યુએસ ઓપનની ફાઇનલમાં ડૅનિયલ મેડવડેવને હરાવીને તમામ ચાર મહત્ત્વનાં ટાઇટલ જીતવાની અને કરીઅરનું ૨૧મું ગ્રૅન્ડ સ્લૅમ જીતવાની તક હતી, પરંતુ એ શક્ય બન્યું નહોતું. મેડવડેવ તેની જ સ્ટાઇલમાં જૉકોવિચને ૬-૪, ૬-૪, ૬-૪થી હરાવીને પહેલી વખત ગ્રૅન્ડ સ્લૅમ જીત્યો હતો.

ન્યુઝ-કૉન્ફરન્સમાં પત્રકારો સાથે વાતચીત કરતાં જૉકોવિચે કહ્યું હતું કે ‘હાશ, હું ખુશ છું કે બધું પૂરું  થયું. કારણ આ ટુર્નામેન્ટને લઈને છેલ્લા કેટલાંક સપ્તાહથી માનસિક દબાણમાં હતો. જોકે એ વાત પણ સાચી છે કે હું દુખી છું. હતાશ છું. દર્શકોએ દર્શાવેલા પ્રેમ બદલ તેમનો આભારી છું.’ રવિવાર સુધી જૉકોવિચ સારા ફૉર્મમાં હતો. છેલ્લા ૭ મહિનાથી અપેક્ષાઓનો જે ભાર લઈને તે ચાલી રહ્યો હતો એ હળવો થયો હતો. છેલ્લે રોડ લેવર ૧૯૬૨ અને ૧૯૬૯માં ચારમાંથી ચાર ગ્રૅન્ડ સ્લૅમ જીત્યો હતો, તો મહિલાઓમાં આ ગૌરવ ૧૯૮૮માં સ્ટેફી ગ્રાફે મેળવ્યું હતું.

૨૫ વર્ષના રશિયાના ખેલાડી મેડવડેવે કહ્યું કે ‘મને નોવાક માટે દુઃખ છે. કારણ કે તે કેવું અનુભવતો હશે એ હું વિચારી શકતો નથી. હું તેને રોકી શક્યો એ વાતે મારા આત્મવિશ્વાસમાં ઘણો વધારો કર્યો છે.’

ટ્રોફી-પ્રેઝન્ટેશન વખતે મેડવડેવે જૉકોવિચને સંબોધતાં કહ્યું હતું કે ‘તેં આ વર્ષે જે સિદ્ધિ મેળવી છે અને તારા સમગ્ર કરીઅર દરમ્યાન જેકંઈ મેળવ્યું છે એ બાબતે મેં અગાઉ કોઈને નથી કહ્યું, પરંતુ અત્યારે કહી રહ્યો છું કે મારા માટે તું ટેનિસ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.’ પોતાનો રેકૉર્ડ અકબંધ રહેતાં ૮૩ વર્ષના ઑસ્ટ્રેલિયના ખેલાડી રોડ લેવરે મેડવડેવને કહ્યું હતું કે ‘તેં જૉકોવિચને કૅલેન્ડર યર ગ્રૅન્ડ સ્લૅમ કરતાં રોક્યો અને તારી કરીઅરનું પ્રથમ ટાઇટલ તું જીત્યો.’

રૅકેટ પર ઉતાર્યો ગુસ્સો

જૉકોવિચ મૅચની શરૂઆતથી જ ભારે દબાણમાં હતો. મેડવડેવ પોતાની લીડ વધારતો જતો હતો, પરિણામે જૉકોવિચ હતાશ થઈ ગયો હતો. તેણે પોતાનો ગુસ્સો રૅકેટ પર કાઢ્યો હતો. તેણે રૅકેટને ત્રણ વખત એટલું જોરથી અફાળ્યું હતું જેથી એ તૂટી ગયું હતું.

3

ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનારો મેડવેડેવ રશિયાનો આટલામો ખેલાડી બન્યો છે. આ પહેલાં યેવગેની કેફલનિકોવ (૧૯૬૬  ફ્રેન્ચ ઓપન, ૧૯૯૯ ઑસ્ટ્રેલિયન ઓપન) અને મારત સાફિને (૨૦૦૦ યુએસ ઓપન, ૨૦૦૫ ઑસ્ટ્રેલિયન ઓપન) આ સિદ્ધિ મેળવી હતી.

sports sports news novak djokovic