5 વખતના ચૅમ્પિયન બ્રાઝિલને હરાવીને નૉર્વે પહેલી વખત ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું

07 July, 2026 08:47 PM IST  |  Norway | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ન્યુ જર્સીમાં રમાયેલી રાઉન્ડ ઑફ 16ની મૅચમાં પાંચ વખતના ચૅમ્પિયન બ્રાઝિલ સામે નૉર્વેને ૨-૧ની જીત મળી હતી. અર્લિંગ હાલૅન્ડે નૉર્વે માટે બીજા હાફમાં બે ગોલ કર્યા હતા. બ્રાઝિલ માટે નેમાર જુનિયરે પેનલ્ટી કિકથી ગોલ કર્યો હતો.

બ્રાઝિલ-નૉર્વેની મૅચ પહેલાં અનોખા કરતબ દેખાડીને હ્યુમનૉઇડ રોબોટે મૅચ-રેફરી સુધી બૉલ પહોંચાડ્યો હતો.

ગઈ કાલે ન્યુ જર્સીમાં રમાયેલી રાઉન્ડ ઑફ 16ની મૅચમાં પાંચ વખતના ચૅમ્પિયન બ્રાઝિલ સામે નૉર્વેને ૨-૧ની જીત મળી હતી. અર્લિંગ હાલૅન્ડે નૉર્વે માટે બીજા હાફમાં બે ગોલ કર્યા હતા. બ્રાઝિલ માટે નેમાર જુનિયરે પેનલ્ટી કિકથી ગોલ કર્યો હતો.
આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૭ ગોલ કરીને અર્લિંગ હાલૅન્ડે કિલિયન એમ્બાપ્પે અને લીઅનલ મેસી સાથે બરાબરી કરી છે. ૧૯૯૮ બાદ પહેલી વખત અને ઓવરઑલ ચોથી વખત વર્લ્ડ કપ રમનાર નૉર્વે પહેલી વખત ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. અગાઉ તેઓ માત્ર ૧૯૯૪માં નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી શક્યા નહોતા. 
બ્રાઝિલ ૧૯૯૦ પછી પહેલી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી શક્યું નથી. રેકૉર્ડ 23મો વર્લ્ડ કપ રમનાર બ્રાઝિલ છેલ્લે ૨૦૦૨માં ચૅમ્પિયન બન્યું હતું. છેલ્લા ૭ વર્લ્ડ કપથી તેઓ યુરોપિયન ટીમો સામે જ નૉકઆઉટ મૅચો હારી રહ્યા છે. 

એકસાથે બે સ્ટાર ખેલાડીઓએ નિવૃત્તિ લીધી 
નૉર્વેની હાર બાદ બ્રાઝિલના સ્ટાર સ્ટ્રાઇકર નેમાર જુનિયર અને ઇંગ્લૅન્ડ સામેની હાર બાદ મેક્સિકોના ગોલકીપર ગુઇલેર્મો ઓચોઆએ ઇન્ટરનૅશનલ ફુટબૉલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ટીમની હાર બાદ બન્ને ખેલાડીઓ મેદાન પર રડતા જોવા મળ્યા હતા.

૩૪ વર્ષના નેમાર જુનિયરે બ્રાઝિલ માટે ૧૩૦ મૅચમાં સૌથી વધુ ૮૦ ગોલ કર્યા હતા. લીઅનલ મેસી અને ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની જેમ સૌથી વધુ ૬ વર્લ્ડ કપનો ભાગ બનેલો ૪૦ વર્ષનો ગુઇલેર્મો ઓચોઆ મેક્સિકો માટે સૌથી વધુ ૧૩૦ મૅચ રમનાર ગોલકીપર હતો.

ડોનલ્ડ ટ્રમ્પના પ્રેશરને કારણે અમેરિકનને મળેલું રેડ કાર્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યું 
રાઉન્ડ ઑફ 32માં બોસ્નિયા-હર્ઝેગોવિના સામેની મૅચમાં હરીફ ખેલાડીની પગની ઘૂંટી પર પગ મૂકવા બદલ અમેરિકન સ્ટ્રાઇકર ફોલારિન બૅલોગનને રેડ કાર્ડ મળ્યું હતું. જેના કારણે તેને મેદાનની બહાર જવું પડ્યું હતું અને બેલ્જિયમ સામેની રાઉન્ડ ઑફ 16 મૅચમાં રમવા પર પ્રતિબંધ લાગ્યો હતો, પણ એ પછી જે થયું એનો આખો ફુટબૉલજગત વિરોધ કરી રહ્યું છે.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે આ ઘટના બાદ ફુટબૉલની સંચાલક સંસ્થા ફિફા પર પ્રેશર આપ્યું હોવાના અહેવાલ છે. યજમાન દેશ અમેરિકાની સરકારના હસ્તક્ષેપને કારણે ફિફાએ શિસ્ત સંહિતાના કલમ ૨૭ હેઠળ રેડ-કાર્ડ પ્રતિબંધ સ્થગિત કરીને આ અમેરિકન ખેલાડીને રમવાની પરવાનગી આપી હતી. ડોનલ્ડ ટ્રમ્પે આ નિર્ણય બાદ કહ્યું કે ‘યોગ્ય કાર્ય કરવા અને ગંભીર અન્યાયને ઉથલાવી દેવા બદલ ફિફાનો આભાર.’

યજમાન મેક્સિકો સામે ૩-૨થી જીત નોંધાવી ઇંગ્લૅન્ડે 
દરિયાથી લગભગ ૭૨૨૦ ફીટની ઊંચાઈએ આવેલા એઝટેકા સ્ટેડિયમમાં યજમાન મેક્સિકોને વર્લ્ડ કપ ઇતિહાસની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લૅન્ડે રાઉન્ડ ઑફ 16ની મૅચમાં ૩-૨થી જીત નોંધાવી હતી. ૧૨ જુલાઈએ નૉર્વે અને ઇંગ્લૅન્ડ વચ્ચે ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાશે 
૫૯ મિનિટની રમત સુધી બન્ને ટીમનો સ્કોર ૨-૨થી લેવલ હતો. ૫૪મી મિનિટે એક ખેલાડીને રેડ કાર્ડ મળ્યું હોવાથી ૧૦ ખેલાડીઓ સાથે રમનાર ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી કેને પેનલ્ટીની મદદથી ગોલ કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. 
૧૭મી વખત વર્લ્ડ કપ રમનાર અંગ્રેજ ટીમ ૧૧મી વખત ક્વૉર્ટર ફાઇનલમાં રમશે. ૧૮મી વખત વર્લ્ડ કપ રમનાર મેક્સિકો છેલ્લે ૧૯૮૬માં ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું હતું. પહેલી વખત આટલી ઊંચાઈ પર રમનાર ઇંગ્લૅન્ડના ખેલાડીઓને મૅચના એક દિવસ પહેલાં યજમાન મેક્સિકોના ફૅન્સે હોટેલની બહાર રાતે ફટાકડા ફોડીને હેરાન કર્યા હતા. મૅચ બાદ પણ ઇંગ્લૅન્ડના ખેલાડીઓની બસ પર જાતજાતની વસ્તુઓ ફેંકવામાં આવી હતી.  

brazil norway football sports news sports england donald trump