ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

05 July, 2022 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની અનાહત જર્મન સ્ક્વૉશમાં બની ગઈ ચૅમ્પિયન; પાકિસ્તાન હૉકી કમિટીએ તપાસ વગર જ રિપોર્ટ આપ્યો! અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

હૉકી વર્લ્ડ કપમાં ભારતની આજે ચીન સાથે ટક્કર

મહિલાઓના હૉકી વર્લ્ડ કપમાં આજે ભારતની ચીન સાથે ટક્કર છે. રવિવારે ભારતે ઇંગ્લૅન્ડને પહેલી મૅચ ૧-૧થી ડ્રૉ કરાવવાની ફરજ પાડી હતી. આ વર્ષે ભારતે ચીનને ત્રણેય મુકાબલામાં હરાવ્યું છે જેમાં ૭-૧ની જીત સર્વોત્તમ હતી. ચીને રવિવારે ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ ૨-૨થી ડ્રૉ કરાવી હતી એટલે આજે ભારતે ચીનની ટીમથી ચેતવું પડશે.

 

નવી સ્પર્ધાના પ્રારંભમાં સિંધુની ચીની હરીફ સાથે થશે ટક્કર

ક્વાલા લમ્પુરમાં ગયા અઠવાડિયે પી. વી. સિંધુ અને એચ. એસ. પ્રણોય મલેશિયા ઓપન સુપર ૭૫૦ નામની બૅડ્મિન્ટન સ્પર્ધામાં પોતપોતાની સિંગલ્સમાં ક્વૉર્ટર ફાઇનલમાં પરાજિત થયાં ત્યાર બાદ હવે આજે એ જ શહેરમાં મલેશિયા માસ્ટર્સ સુપર ૫૦૦ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે જેમાં તેઓ વધુ સારું રમીને ચૅમ્પિયન બનવા મક્કમ છે. સિંધુનો પહેલા રાઉન્ડમાં ચીનની કટ્ટર હરીફ બિન્ગ જિઆઓ સાથે મુકાબલો થશે. સિંધુ સામસામી ટક્કરમાં ૮-૧૦થી પાછળ છે. ગયા વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપ પછી શ્રેણીબદ્ધ સ્પર્ધાઓમાં ક્વૉર્ટર ફાઇનલમાં હારી જનાર પ્રણોય હવે એ અવરોધ પાર કરીને વિજેતા બનવા દૃઢ છે. તે ઇન્ડોનેશિયાના શેસર રસ્ટાવિટો સામે રમશે. સાઇના નેહવાલ તેમ જ બી. સાઈ પ્રણીત અને સમીર વર્મા પાસે તેમ જ ડબલ્સની જોડીઓ પાસે પણ ભારતને આશા છે.

 

ભારતની અનાહત જર્મન સ્ક્વૉશમાં બની ગઈ ચૅમ્પિયન

ભારતની ૧૪ વર્ષની આશાસ્પદ સ્ક્વૉશ ખેલાડી અનાહત સિંહ ગઈ કાલે હૅમ્બર્ગમાં જર્મન જુનિયર ઓપન સ્ક્વૉશ ચૅમ્પિયનશિપ સુપર સિરીઝ ઇવેન્ટમાં ચૅમ્પિયન બની હતી. તેણે ગર્લ્સ અન્ડર-૧૫ની ફાઇનલમાં ઇજિપ્તની મલાક સમીરને ૩-૦થી હરાવી હતી. અનાહતે સેમી ફાઇનલમાં મલેશિયાની ટૉપ-સીડેડ વ્હીટની ઇસાબેલને ૩-૧થી અને ક્વૉર્ટર ફાઇનલમાં બેલ્જિયમની સવાનાહ મૉક્સહૅમને હરાવી હતી. અનાહત ગયા મહિને પટાયામાં એશિયન સ્પર્ધા જીતી હતી.

 

પાકિસ્તાન હૉકી કમિટીએ તપાસ વગર જ રિપોર્ટ આપ્યો!

પાકિસ્તાનની મેન્સ હૉકી ટીમ તાજેતરમાં એશિયા કપમાં છેક પાંચમા નંબરે આવી અને એને લીધે એને હવે વર્લ્ડ કપમાં નહીં રમવા મળે એ બદલ દેશના ખેલકૂદ ક્ષેત્રના મોવડીઓએ ભૂતપૂર્વ ખેલાડીઓની કમિટી બનાવીને એને તપાસ કરવાનું કહ્યું હતું, પરંતુ નિર્ધારિત ત્રણ દિવસ સુધી હેડ-કોચ, મૅનેજર તેમ જ કૅપ્ટન ઉમર બુટા અલગ-અલગ કારણસર તપાસ માટેની સુનાવણીમાં હાજર ન રહેવાને પરિણામે સમિતિએ આમાંના કોઈને પણ પછીથી પ્રશ્નોત્તરી માટે બોલાવ્યા વગર રિપોર્ટ આપી દીધો હતો.

 

રશિયનો પરના પ્રતિબંધ સામેના દંડ વિરુદ્ધ અપીલ

રશિયાએ યુક્રેન સામે યુદ્ધ કર્યું એ સામેના વિરોધમાં બ્રિટનમાં રશિયા તથા એના મિત્ર-રાષ્ટ્ર બેલારુસના ટેનિસ ખેલાડીઓને રમવા દેવા પર મુકાયેલા પ્રતિબંધ સામે વિમેન્સ ટેનિસ અસોસિએશન્સ (ડબ્લ્યુટીએ)એ જે દંડ લાગુ કર્યો છે એની સામે વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ્સની આયોજક ઑલ ઇંગ્લૅન્ડ ક્લબે અપીલ નોંધાવી છે. ડબ્લ્યુટીએ દ્વારા કુલ ૧૦ લાખ ડૉલર (૭.૮૯ કરોડ રૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે. આ મનાઈને કારણે રશિયાનો વર્લ્ડ નંબર-વન ડેનિલ મેડવેડેવ અને બે ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલી વિક્ટોરિયા ઍઝરેન્કા વિમ્બલ્ડનમાં નથી રમી શક્યાં.

 

કિર્ગિયોસ ઈજા છતાં રમ્યો અને જીતી ગયો

વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસે ઈજા છતાં રમવાનું ચાલુ રાખ્યું હતું અને અમેરિકાના બ્રેન્ડન નાકાશિમાને ૪-૬, ૬-૪, ૭-૨, ૩-૬, ૬-૨થી હરાવીને સાત વર્ષમાં પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. હવે બુધવારે કિર્ગિયોસનો ક્વૉર્ટરમાં ચિલીના ક્રિસ્ટિયન ગૅરિન સાથે મુકાબલો થશે.
રવિવારે ગયા વર્ષના ચૅમ્પિયન નોવાક જૉકોવિચે સેન્ટર કોર્ટ પર ડચના ટિમ વૅન રિજથૉવેનને ૬-૨, ૪-૬, ૬-૧, ૬-૨થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જૉકોવિચ સાતમી વાર વિમ્બલ્ડન ચૅમ્પિયન બનવાના પ્રયાસમાં છે. જૉકોવિચ આજે ક્વૉર્ટરમાં યાનિક સિનર સામે રમશે.

 

મેલબર્ન રેનગેડ્ઝ સાથે હરમનપ્રીતના ફરી કરાર

ભારતની ૩૩ વર્ષની મહિલા ક્રિકેટ કૅપ્ટન અને ૨૦૦થી વધુ ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલી હરમનપ્રીત કૌરે આ વર્ષે રમાનારી મહિલાઓની બિગ બૅશ લીગ માટે મેલબર્ન રેનગેડ્ઝ સાથે ફરી કરાર કર્યા છે. ગયા વર્ષે તેણે ૧૮ સિક્સરની મદદથી બનાવેલા કુલ ૪૦૬ રન અને લીધેલી ૧૫ વિકેટ મેલબર્ન રેનગેડ્ઝ ટીમની તમામ પ્લેયર્સમાં હાઇએસ્ટ હતાં અને તેના આ પર્ફોર્મન્સની મદદથી જ મેલબર્નની ટીમ રનર-અપ બની હતી.

sports sports news