ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

13 May, 2022 12:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉબેર કપમાં ભારતીય મહિલાઓ ક્વૉર્ટરમાં હારી; જુનિયર વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતના સાત મેડલ અને વધુ સમાચાર

યુદ્ધગ્રસ્ત યુક્રેનનું ફુટબૉલના મેદાન પર કમબૅક : રશિયાના આક્રમણ પછી યુક્રેનની મેન્સ નૅશનલ ફુટબૉલ ટીમની પહેલી મૅચ બુધવારે જર્મનીમાં રમાઈ હતી, જેમાં યુક્રેનની ટીમે જર્મનીની બોરુશિયા મૉન્કેનગ્લેડબાક ક્લબની ટીમને ૨-૧થી હરાવી હતી. આ ફ્રેન્ડ્લી મૅચ ચૅરિટી ભંડોળ ઊભું કરવાના હેતુથી રમાઈ હતી. આવતા મહિને યુક્રેન ફિફા વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવા સ્કૉટલૅન્ડ સામે પ્લે-ઑફ રમશે અને એના રિહર્સલના ભાગરૂપે યુક્રેનની બુધવારે મૅચ રમાઈ હતી જે દરમ્યાન યુક્રેનતરફી પ્રેક્ષકો તેમ જ મેદાન પર ખેલાડીઓ સાથે ઊભેલાં બાળકો (જમણે)ના ચહેરા પર ગમગીની સાથે મુસીબતમાંથી બહાર આવવાનો આત્મવિશ્વાસ પણ હતો. (તસવીર : એ.પી.)

ઉબેર કપમાં ભારતીય મહિલાઓ ક્વૉર્ટરમાં હારી

બૅન્ગકૉકમાં ગઈ કાલે ભારતની મહિલા બૅડ્‍મિન્ટન ખેલાડીઓ યજમાન થાઇલૅન્ડ સામે ૦-૩થી હારી ગઈ હતી. પી. વી. સિંધુનો રેચનોક ઇન્ટેનન સામે ૨૧-૧૮, ૧૭-૨૧, ૧૨-૨૧થી પરાજય થયો હતો. ત્યાર પછી ડબલ્સની મૅચમાં શ્રુતિ મિશ્રા અને સિમરન સિંઘીની જૉન્કોલ્ફાન કિટિથારાકુલ અને રવિન્ડા પ્રાજોન્ગ્જાઈ સામે ૧૬-૨૧, ૧૩-૨૧થી હાર થઈ હતી. ત્યાર પછી આકાર્શી કશ્યપનો સિંગલ્સમાં પોર્નપોવી ચોચુવોન્ગ સામે ૧૬-૨૧, ૧૧-૨૧થી પરાભવ થયો હતો. થાઇલૅન્ડનો ૩-૦થી વિજય થયો હોવાથી બાકીની બે મૅચ અર્થહીન હોવાથી નહોતી રમાઈ.

 

યુએઈની લીગમાં નવી ટીમ ‘અબુ ધાબી નાઇટ રાઇડર્સ’

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ની ટી૨૦ લીગમાં નાઇટ રાઇડર્સ ગ્રુપે ફ્રૅન્ચાઇઝી ખરીદવા અને સંચાલન કરવા માટેના હક ખરીદ્યા છે જે હેઠળ નવી ટીમ અબુ ધાબી નાઇટ રાઇડર્સ (એડીકેઆર) તરીકે ઓળખાશે. નાઇટ રાઇડર્સની આઇપીએલ, કૅરિબિયન ક્રિકેટ લીગ અને મેજર લીગ ક્રિકેટમાં પણ ટીમ છે. યુએઈ ટી૨૦ લીગમાં અદાણી ગ્રુપે ત્રણ દિવસ પહેલાં જ ટીમ ખરીદી હતી.

 

જુનિયર વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતના સાત મેડલ

જર્મનીમાં નિશાનબાજીના આઇએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં ભારતીયો ત્રણ ગોલ્ડ મેડલ સહિત કુલ સાત મેડલ જીત્યા છે. ૧૦ મીટર ઍર રાઇફલમાં રુદ્રાંક્ષ પાટીલ અને અભિનવ શૉના ગોલ્ડ મેડલ પિસ્તોલ શૂટિંગમાં ભારતીયો ચંદ્રક જીત્યા હતા. ભારતને બુધવારે ચંદ્રકો અપાવનાર સ્પર્ધકોમાં મનુ ભાકર, રિમિતા, શિવા નારવાલ, સરબજોત સિંહ અને પલકનો સમાવેશ હતો.

sports sports news