ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

19 January, 2022 02:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તામિલનાડુ લીગમાં ફિક્સિંગ, ૪૦ લાખની ઑફર; અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

ઉન્મુક્તના પ્રથમ BBLમૅચમાં ૬ રન

ભારતનો ભૂતપૂર્વ અન્ડર-19 ચૅમ્પિયન કૅપ્ટન ઉન્મુક્ત ચંદ ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (બીબીએલ)માં રમનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. જોકે તે આ પ્રથમ મૅચમાં ફ્લૉપ ગયો હતો. મેલબર્ન રેનેગેડ્સ વતી તે ફક્ત ૬ રન બનાવીને હોબાર્ટ હરિકેન્સ વતી રમતાં નેપાલના સ્પિનર સંદીપ લમીછાનેના બૉલમાં આઉટ થયો હતો. હોબાર્ટે પાંચ વિકેટે ૧૮૨ રન બનાવ્યા બાદ મેલબર્નની ટીમ ઍરોન ફિન્ચ (૭૫), શૉન માર્શ (૫૧)ની હાફ સેન્ચુરી છતાં ૬ વિકેટે ૧૭૬ રન બનાવી શકતાં ૬ રનથી હારી ગઈ હતી.

 

તામિલનાડુ લીગમાં ફિક્સિંગ, ૪૦ લાખની ઑફર

આઇપીએલમાં મુંબઈ, પંજાબ, કલકત્તા વતી રમી ચૂકેલા ૪૧ વર્ષના આર. સતીશે આક્ષેપ કર્યો છે કે તામિલનાડુ પ્રીમિયર લીગમાં તેને મૅચ ફિક્સ કરવા માટે ૪૦ લાખ રૂપિયાની ઑફર થઈ હતી. તે ગઈ સીઝનમાં ટાઇટલ જીતનાર ચેપોક સુપર ગિલ્લીસ નામની ટીમમાં હતો. તેનો દાવો છે કે તેને બન્ની આનંદ નામના એક માણસે ઇન્સ્ટાગ્રામ મારફત ફિક્સિંગની ઑફર કરી હતી. બીસીસીઆઇના ઍન્ટિ-કરપ્શન યુનિટના ચીફ શબીર ખંડવાવાલાએ પીટીઆઇને કહ્યું કે ‘આ મહિને અમને આ માહિતીની જાણ થતાં સતીશને અમે બૅન્ગલોર પોલીસને ફરિયાદ કરવાની સલાહ આપી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. સતીશે કયા સંજોગોમાં આટલા વખતે ફરિયાદ કરી એની પણ પોલીસ તપાસ કરશે.’

 

પ્રણોય બીજા રાઉન્ડમાં : સિંધુની મૅચ આજે રમાશે

લખનઉમાં ગઈ કાલે સૈયદ મોદી ઇન્ટરનૅશનલ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનો એસ. એસ. પ્રણોય યુક્રેનના ડૅનીલો બોસ્નિકને ૩૬ મિનિટમાં ૨૧-૧૪, ૨૧-૧૮થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. જોકે સમીર વર્મા ઈજાને કારણે સ્પર્ધામાંથી નીકળી જતાં આયરલૅન્ડના હરીફને વૉકઓવર મળ્યું હતું. લક્ષ્ય સેન, કે. શ્રીકાંત તેમ જ સાઇના નેહવાલ અને અશ્વિની પોનપ્પાએ ઈજા સહિતનાં કેટલાંક કારણસર આ સ્પર્ધામાં ભાગ નથી લીધો. જોકે પી. વી. સિંધુ આજે પ્રથમ રાઉન્ડમાં ભારતની જ તાન્યા હેમંત સામે રમશે.

sports sports news