ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

10 January, 2022 02:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બોપન્ના-રામકુમાર ટૉપ-સીડેડ જોડીને હરાવીને જીત્યા ટાઇટલ; ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ભારતની સ્પર્ધામાંથી ખસી ગયા અને વધુ સમાચાર

બોપન્ના-રામકુમાર

બોપન્ના-રામકુમાર ટૉપ-સીડેડ જોડીને હરાવીને જીત્યા ટાઇટલ

ભારતના રોહન બોપન્ના અને રામકુમાર રામનાથન ગઈ કાલે ઍડીલેડ ઇન્ટરનૅશનલ એટીપી ટુર્નામેન્ટની સંઘર્ષપૂર્ણ ડબલ્સ ફાઇનલમાં ટૉપ-સીડેડ જોડી ઇવાન ડોડિગ અને માર્સેલો મેલોને ૮-૬, ૬-૧થી હરાવીને ટાઇટલ જીત્યા હતા. આ મુકાબલામાં બોપન્નાનાં સર્વિસ રિટર્ન કાબિલેદાદ હતાં, જ્યારે રામકુમારનો એકંદર પર્ફોર્મન્સ સારો હતો. બોપન્નાનું આ ૨૦મું અને રામકુમારનું પ્રથમ ડબલ્સ એટીપી ટાઇટલ છે. બન્નેને ઇનામમાં કુલ ૧૮,૭૦૦ ડૉલર (અંદાજે ૧૪ લાખ રૂપિયા) મળ્યા છે જે તેઓ સરખે ભાગે વહેંચી લેશે. તેમની જોડીને ૨૫૦ રૅન્કિંગ પૉઇન્ટ પણ મળ્યા છે. સાનિયા-નાદિયાની જોડી બે દિવસ પહેલાં સેમી ફાઇનલમાં હારી ગઈ હતી. દરમ્યાન મહિલાઓનું ઍડીલેડ સિંગલ્સ ટાઇટલ સર્વોચ્ચ રૅન્કની ઍશ બાર્ટીએ જીતી લીધું છે.

 

ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ભારતની સ્પર્ધામાંથી ખસી ગયા

ઇંગ્લૅન્ડના બે બૅડ્મિન્ટન પ્લેયરોના કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં ઇંગ્લૅન્ડે જાહેર કર્યું છે કે તેની આખી ટીમ ભારતમાં યોજાનારી ઇન્ડિયા ઓપન સ્પર્ધામાં ભાગ નહીં લે. જોકે ભારતીય બૅડ્મિન્ટનના સત્તાધીશોએ કહ્યું છે કે રવિવારે સવારે દિલ્હીની હોટેલમાં જે પણ ખેલાડીઓની મેડિકલ ટેસ્ટ કરાઈ હતી તેઓ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

 

વિન્ડીઝ સામે ૬ને બદલે કદાચ ૩ સ્થળોએ મૅચો રમાશે

આગામી ૬થી ૨૦ ફેબ્રુઆરી દરમ્યાન ભારતમાં વેસ્ટ ઇન્ડીઝ સામે કુલ ૬ સ્થળે ૬ મૅચ (ત્રણ વન-ડે, ત્રણ ટી૨૦) રમાવાની છે, પરંતુ કોવિડના વધતા કેસને ધ્યાનમાં લેતાં સ્થળોની સંખ્યા કદાચ ૩ કરી નાખવામાં આવશે. ૬ સ્થળોએ અમદાવાદ, જયપુર, કલકત્તા, કટક, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમનો સમાવેશ છે.

sports sports news