ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

07 December, 2021 03:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રશિયા ૧૫ વર્ષે ફરી ડેવિસ કપ ચૅમ્પિયન; વિલિયમસન માટે કોણીની સર્જરી એકમાત્ર વિકલ્પ;

રશિયા ૧૫ વર્ષે ફરી ડેવિસ કપ ચૅમ્પિયન

રશિયા ૧૫ વર્ષે ફરી ડેવિસ કપ ચૅમ્પિયન

ડેવિસ કપ ટેનિસ ચૅમ્પિયનશિપમાં રશિયા ૧૫ વર્ષે ચૅમ્પિયન બન્યું છે. યુએસ ઓપનના વિજેતા ડૅનિલ મેડવેડેવે ફાઇનલમાં હરીફ ક્રોએશિયાના મેરિન સિલિચને ૯-૭, ૬-૨થી હરાવીને રશિયાને ટાઇટલ જીતવા માટે જરૂરી વિજય અપાવી દીધો હતો. વર્લ્ડ નંબર-ટૂ મેડવેડેવે સતત પાંચમી વાર સ્ટ્રેઇટ સેટથી જીત મેળવી છે. તે ત્રણ મહિના અગાઉ યુએસ ઓપનની ફાઇનલમાં વર્લ્ડ 
નંબર-વન નોવાક જૉકોવિચને હરાવીને ટાઇટલ જીત્યો હતો. એ પહેલાં, રશિયાના ઍન્દ્રે રુબ્લેવે બોર્ના ગોયોને ૬-૪, ૭-૫થી હરાવીને ટાઇટલ-વિજય માટેનો પાયો નાખી આપ્યો હતો.
રશિયા અગાઉ ૨૦૦૬માં અને એ અગાઉ ૨૦૦૨માં ડેવિસ કપમાં ચૅમ્પિયન બન્યું હતું.

 

વિલિયમસન માટે કોણીની સર્જરી એકમાત્ર વિકલ્પ

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હસને કહ્યું છે કે કૅપ્ટન કેન વિલિયમસન માટે કોણીનું ઑપરેશન તેની ઈજામાંથી મુક્ત થવાનો એકમાત્ર વિકલ્પ છે. વિલિયમસને આ ઈજાને કારણે છેલ્લા થોડા મહિના દરમ્યાન કેટલીક મૅચો ગુમાવી છે. તે વાનખેડેમાં ગઈ કાલે પૂરી થયેલી ટેસ્ટમાં નહોતો રમ્યો અને તેના સ્થાને ઓપનર ટૉમ લૅથમે સુકાન સંભાળ્યું હતું. તે ટેસ્ટ-સિરીઝ પહેલાં ભારત સામેની ટી૨૦ શ્રેણીમાં પણ નહોતો રમ્યો.

 

પાંચમી ઍશિઝ ટેસ્ટ પર્થને બદલે અન્ય સ્થળે રમાશે

વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાં કોવિડ-19ની આચારસંહિતા, ક્વૉરન્ટીન અને સરહદને લગતાં નિયંત્રણો લાગુ કરાયાં હોવાથી ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૧૪થી ૧૮ જાન્યુઆરી દરમ્યાન રમાનારી સિરીઝની પાંચમી અને છેલ્લી ઍશિઝ ટેસ્ટ પર્થને બદલે બીજા કોઈક સ્થળે રમાશે. સિડનીની ચોથી ટેસ્ટ ૯ જાન્યુઆરીએ પૂરી થશે અને એ પછી પાંચમી ટેસ્ટની શરૂઆત વચ્ચે માત્ર પાંચ દિવસનું અંતર હોવાથી વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાએ પાંચમી ટેસ્ટ પોતાને ત્યાં રાખવાની મનાઈ કરી છે. ૮ ડિસેમ્બર (આવતી કાલ)થી પ્રથમ ટેસ્ટ બ્રિસ્બેનમાં, ૧૬ ડિસેમ્બરથી બીજી ટેસ્ટ ઍડીલેડમાં, ૨૬ ડિસેમ્બરથી ત્રીજી ટેસ્ટ મેલબર્નમાં અને પાંચમી જાન્યુઆરીથી ચોથી ટેસ્ટ સિડનીમાં રમાવાની છે.

sports sports news