ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

06 December, 2021 12:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૧૦ વર્ષનાં ઓલ્ડેસ્ટ ટેસ્ટ-ક્રિકેટરનું નિધન; હૉકીમાં ભારતની મહિલા ટીમ ૧૩-૦થી જીતી ગઈ અને વધુ સમાચાર

એઇલીન ઍશ

૧૧૦ વર્ષનાં ઓલ્ડેસ્ટ ટેસ્ટ-ક્રિકેટરનું નિધન

૧૪૪ વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટનાં સૌથી વયોવૃદ્ધ લિવિંગ પ્લેયર ગણાતાં એઇલીન ઍશનું ૧૧૦ વર્ષની વયે અવસાન થયું છે. વ્હેલન તરીકે ઓળખાતાં એશ ઇંગ્લૅન્ડ વતી ૧૯૩૭થી ૧૯૪૯ દરમ્યાન (બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને પછી) ૭ ટેસ્ટ રમ્યાં હતાં, જેમાં તેમણે ૧૦ વિકેટ લીધી હતી અને ૩૮ રન બનાવ્યા હતા.

 

બુધવારથી ઍશિઝઃ ૧૦ વર્ષે ઇંગ્લૅન્ડને જીતવાની તક

બ્રિસ્બેનના ગૅબામાં બુધવારથી (પરમ દિવસથી) ઑસ્ટ્રેલિયાની ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની જે ઍશિઝ ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે એની પ્રથમ મૅચમાં બૅટર ટ્રેવિસ હેડ અને ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક રમશે એવી જાહેરાત નવા કૅપ્ટન પૅટ કમિન્સે ગઈ કાલે કરી હતી. ટીમ-મૅનેજમેન્ટે ઉસ્માન ખ્વાજાને બદલે હેડને રમાડવાનું જરૂરી સમજ્યું છે. ઇંગ્લૅન્ડ ૨૦૧૧ પછી ઑસ્ટ્રેલિયામાં ઍશિઝ નથી જીત્યું એટલે હવે ૧૦ વર્ષે જૉ રૂટ ઍન્ડ કંપનીને શ્રેણી જીતવાનો સારો મોકો છે.

 

સિંધુ હારી ટીનેજર સામેઃ સિલ્વરથી સંતોષ માન્યો

બાલીમાં વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સની ફાઇનલમાં સાઉથ કોરિયાની ટીનેજ ખેલાડી ઍન સે-યંગ સામે ૪૦ મિનિટમાં ૧૬-૨૧, ૧૨-૨૧થી હારી ગઈ હતી એ સાથે સિંધુએ સિલ્વર મેડલથી સંતોષ માની લેવો પડ્યો છે.

 

હૉકીમાં ભારતની મહિલા ટીમ ૧૩-૦થી જીતી ગઈ

સાઉથ કોરિયામાં ગઈ કાલે મહિલાઓની એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી સ્પર્ધાની પ્રથમ મૅચમાં ભારતે થાઇલૅન્ડને ૧૩-૦થી હરાવીને સનસનાટી મચાવી હતી. ભારતીય ટીમ ટોક્યો ઑલિમ્પિક્સમાં ચોથા નંબરે આવ્યા બાદ પહેલી વાર રમી રહી હતી. ગોલકીપર સવિતાએ કૅપ્ટન્સી સંભાળી હતી અને ગુરજિત નામની પ્લેયરે પાંચ ગોલ કર્યા હતા. મૅચનો પહેલો અને તેરમો (છેલ્લો) ગોલ તેણે કર્યો હતો.

 

ઢાકાની ટેસ્ટમાં બીજા દિવસે માત્ર ૬.૨ ઓવર રમાઈ

ઢાકામાં શનિવારે વરસાદ અને બૅડ લાઇટનાં વિઘ્ન વચ્ચે બંગલા દેશ સામે શરૂ થયેલી બીજી ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે હાલત વધુ ખરાબ હતી, કારણ કે અમ્પાયરોએ નિર્ધારિત કરેલી ૯૮માંથી ફક્ત ૬.૨ ઓવર થઈ શકી હતી અને એમાં પાકિસ્તાનનો પ્રથમ દાવનો સ્કોર ૧૬૧-૨થી ૧૮૮-૨ સુધી પહોંચ્યો હતો. કૅપ્ટન બાબર આઝમ ૭૧ અને અઝહર અલી બાવન રને રમી રહ્યા હતા.

 

ભારત હૉકીમાં ફ્રાન્સ સામે હાર્યું : આર્જેન્ટિના ચૅમ્પિયન

ભુવનેશ્વરના જુનિયર હૉકી વર્લ્ડ કપમાં ભારત શુક્રવારે સેમી ફાઇનલમાં જર્મની સામે ૨-૪થી હારી ગયા બાદ ગઈ કાલે ફ્રાન્સ સામે બ્રૉન્ઝ-મેડલ માટેની મૅચમાં ૧-૩થી પરાજિત થતાં ગયા વખતના ચૅમ્પિયન ભારતે મેડલથી સાવ વંચિત રહેવું પડ્યું છે. ફ્રાન્સના કૅપ્ટન ટિમોથી ક્લેમન્ટે ગોલની હૅટ-ટ્રિક કરી હતી. તેણે ૨૬, ૩૪, ૪૭મી મિનિટે ગોલ કર્યો હતો. ભારત વતી એકમાત્ર ગોલ સુદીપ ચિર્માકોએ ૪૨મી મિનિટે કર્યો હતો. ફાઇનલમાં આર્જેન્ટિનાએ જર્મનીને ૪-૨થી હરાવીને વિજેતાપદ મેળવ્યું હતું.

sports sports news