ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

11 October, 2021 05:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મુંબઈનો જૈસલ શાહ ઑલ ઇન્ડિયા ચેસમાં બીજા સ્થાને; મુંબઈ પોલીસ ક્રિકેટ ક્લબનો ૬ વિકેટે વિજય અને વધુ સમાચાર

જૈસલ શાહ

મુંબઈનો જૈસલ શાહ ઑલ ઇન્ડિયા ચેસમાં બીજા સ્થાને

તાજેતરમાં અન્ડર-12 અને અન્ડર-15 વર્ગ માટે યોજાયેલી ઑલ ઇન્ડિયા ઑનલાઇન ફ્રી ચેસ ટુર્નામેન્ટમાં મુંબઈનો ચેસ-સ્ટાર જૈસલ શાહ  અન્ડર-12 કૅટેગરીમાં ૭.૫ પૉઇન્ટ અને ૩૯ ટાઇબ્રેક સાથે બીજા નંબjl રહેતાં સિલ્વર મેડલ જીત્યો હતો. પાંચ-પાંચ મિનિટના કુલ ૯ રાઉન્ડ હતા જેમાં તે ૭ ગેમ જીત્યો હતો. તેની એક ગેમ ડ્રૉ થઈ હતી અને એક જ ગેમ હાર્યો હતો. આ સ્પર્ધા પછી જૈસલના લિચેસ રેટિંગ ૨૧૯૦ થઈ ગયા છે. સાર્વજનિક નવરાત્ર મહોત્સવ મંડળ-જેજે, આઇડિયલ સ્પોર્ટ્સ ઍકૅડેમી અને ઇન્સ્ટિટ્યૂટ ફૉર ચેસ એક્સેલન્સ દ્વારા આયોજિત આ સ્પર્ધાના અન્ડર-12 વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રણવ કે. પી.ના ૮.૫ પૉઇન્ટ હતા.

 

મુંબઈ પોલીસ ક્રિકેટ ક્લબનો ૬ વિકેટે વિજય

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ) દ્વારા આયોજિત પદ્‍માકર તાલીમ શીલ્ડ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શનિવારે સીસીઆઇ ગ્રાઉન્ડ ખાતે મુંબઈ પોલીસ ક્રિકેટ ક્લબે રીગલ ક્રિકેટ ક્લબને ૬ વિકેટે આસાનીથી પરાજિત કરી હતી. ફર્સ્ટ રાઉન્ડની આ લીગ મૅચમાં રીગલ ટીમે ૧૫.૫ ઓવરમાં માત્ર ૬૫ રન બનાવ્યા બાદ મુંબઈ પોલીસની ટીમે ૪ વિકેટે ૬૭ રન બનાવ્યા હતા, જેમાં અનુપ ફલ્પરના ૨૧ રન હાઇએસ્ટ હતા. કોવિડ-19ને લગતાં નિયંત્રણો હળવાં કરાયા પછી એમસીએ દ્વારા મુંબઈમાં આયોજિત આ પહેલી ટુર્નામેન્ટ છે. દરમ્યાન, ગઈ કાલે મુંબઈ પોલીસ ક્લબે દાદર પારસી કૉલોનીની ટીમને ૧૦ વિકેટે અને કર્ણાટક સ્પોર્ટિંગ અેસોસિયેશને પી. જે. હિન્દુ જિમખાનાની ટીમને ૮૮ રનથી પરાજિત કરી હતી.

 

ટી૨૦ ફૉર્મેટને લીધે ટેસ્ટ ક્રિકેટ અંધકાર તરફ ધકેલાયું : ચૅપલ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ઇયાન ચૅપલનું માનવું છે કે ટી૨૦ ફૉર્મેટ એટલી હદે ઝડપથી અને વ્યાપક રીતે ફેલાઈ રહ્યું છે કે એને કારણે ટેસ્ટ-ક્રિકેટ પર વિપરીત અસર પડી રહી છે. ટી૨૦નો ટેસ્ટ-ક્રિકેટ પર ખાસ કરીને વર્તમાન કોવિડકાળમાં ઘેરો ઓછાયો પડ્યો છે એમ કહીએ તો પણ ચાલે.’ ચૅપલે ઈએસપીએનક્રિકઇન્ફોની કૉલમમાં લખ્યું છે કે ‘આઇપીએલ પછી હવે ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે. ટી૨૦ ટુર્નામેન્ટ ગણતરીના દિવસોમાં પૂરી થઈ શકે એટલે ટેસ્ટની તુલનામાં દેશોને ભેગા કરીને એનું આયોજન સહેલાઈથી થઈ શકે.’

sports sports news